સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જામજોધપુરના વસંતપુર પાસેથી ખનીજ ચોરીનો પર્દાફાશ : ૭પ૦ ટન બેલા ભરેલા ર૮ ટ્રક ઝડપાયા

જામનગર એલસીબીનો દરોડો : ત્રણ કરોડનો મુદ્દામાલ કબ્જે, ખનીજ, માફીયાઓમાં ફફડાટ

જામજોધપુર, તા. ૯ :  પંથકમાં છેલ્લા ઘણા સમયથી રોયલ્ટી ભર્યા વિના ટ્રકોમાં ગેરકાયદે રીતે ખનીજની હેરાફેરી ધમધમતી હોવાની ફરીયાદો ઉઠી રહી હતી. જેના આધારે ગઇકાલે સવારે જામનગર એલસીબીની ટીમે વસંતપુરના પાટીયા પાસે દરોડો પાડી ૭પ૦ થી બેલા ભરેલા ર૮ ટ્રકો પકડી પાડયા હતા.

વિગત મુજબ ચોક્કસ બાતમીના આધારે જામનગર એલસીબીની ટીમે વસંતપુરના પાટીયા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બેલા ભરી નિકળેલી ટ્રકોને અટકાવી ડ્રાઇવર, કલીનર પાસે કાગળો માંગતા હાજર રહી શકયા ન હોતા એક પછી એક એમ એક જ સાથે ર૮ જેટલી ટ્રકોને પકડી પાડી અંદાજે ૭પ૦ ટન ગેરકાયદે બેલાના જંગી જથ્થા સાથે રૂ. ત્રણ કરોડોનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

લોક ચર્ચાનુસાર ગ્રામ્ય પંથકમાં અવારનવાર રોયલ્ટી ભર્યા વિના જ ખનીજ ની હેરાફેરી ધર્મધમતી હતી જે સંદર્ભે એલસીબીએ ત્રાટકી ગેરકાયદે બેલાનો જંગી જથ્થો કબ્જે કરી લેતા ખનીજ ચોકી સાથે સંકળાયેલા શખ્સોમાં રીતસરનો ફફડાટ પ્રસરી રહ્યો છે.

આ મામલે પોલીસે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા જરૂરી કાગળો કરી તપાસ આગળ ધપાવાઇ છે.

(11:52 am IST)