સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

જૂનાગઢ સર્વોદયની જહેમતથી થેલીસીમીક બાળકો માટે પોણા ત્રણસો બોટલ રકત એકત્ર

જૂનાગઢ તા. ૯ :.. સર્વોદય બ્લડ બેંક દવા ફંડ ટ્રસ્ટના માધ્યમ અને પ્રયાસોથી જૂનાગઢ સીવીલ હોસ્પીટલની સરકારી બ્લડ બેંકને થેલીસીમીક બાળકો તથા જરૂરીયાતવાળા દર્દીઓ માટે લગભગ પોણા ત્રણસો બોટલ (બેગ) લોહી પ્રાપ્ત થયું હતું.

સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંક દવા ફંડના નામથી ચાલતા સ્વૈચ્છીક રકતદાન મંડળના માધ્યમ અને પ્રયાસોથી ત્રણ રકતદાન શીબીરો યોજાઇ ગયેલ તેમાં લગભગ પોણા ત્રણસો જેટલા સેવાભાવી રકતદાતા ભાઇ - બહેનોએ રકતદાન કરીને જૂનાગઢની સરકારી હોસ્પીટલમાં સારવાર લેતા થેલીસીમીક બાળકો તથા અન્ય જરૂરીયાત વાળા દર્દીઓનું જીવન બચાવવા માટે પોતાનું લોહી (રકતદાન) આપીને ઉત્તમ નાગરીક ધર્મના દર્શન કરાવ્યા હતાં.

આ ત્રણ શિબીરોમાં મુખ્યત્વે સાંગાવાડા ગામે યોજાઇ ગયેલ રકતદાન શીબીરમાં ર૦૬ જેટલા રકતદાતા ભાઇ બહેનોએ રકતદાન કર્યુ હતું પરંતુ રકતબેગ ખલાસ થઇ જતા લગભગ ૧૦૦ જેટલા રકતદાતાઓ રકતદાન કરી શકયા ન હતાં. અને નિરાશ થઇ પરત ફર્યા હતાં. આ સિવાયના બે કેમ્પમાં ૬૬ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું. આમ ત્રણેય કેન્દ્રમાંથી લગભગ ર૭ર રકતદાતાઓએ રકતદાન કરીને ઉત્તમ નાગરીક ધર્મ બજાવતા મહેન્દ્રભાઇ એ તમામને ધન્યવાદ આપ્યા હતાં.

મહેન્દ્રભાઇની ઝીંદા દીલી

એક સામાન્ય સ્થિતિના દેવીપૂજક પરિવારની દિકરીના લગ્ન હોઇ દિકરી ને મનપસંદ કબાટ કરીયાવરમાં જોઇ તો હોઇ આ વાતની મહેન્દ્રભાઇને ખબર પડતાં મહેન્દ્રભાઇએ ચૂંટણીમાં ભરેલ ડીપોઝીટની રકમ રૂ. ૧૦૦૦૦ પાછા મળતાં તે રકમ દિકરીના લગ્નમાં દિકરીને પસંદ પડેલ કબાટ ખરીદવા આપી દીધી હતી.

એક નાના પ્રસંગથી કે મહેન્દ્રભાઇની ઝીંદા દીલી આજે પણ પહેલા જ છે તેમ કહી લોકોએ આવકારેલ છે.

નયા પૈસાના હિસાબ સામે રજૂઆત

પૂર્વ નગર સેવક શશીકાંત લા. દવેએ વડાપ્રધાનને રજૂઆતમાં રાષ્ટ્રમાં નોટબંધીની સાથે જે ચલણ અસ્તિત્વમાં નથી તેવા નયા પૈસાનો ઉલ્લેખ - હિસાબ રાષ્ટ્રીયકૃત બેંકો,  કોર્પોરેશનનો કરી રહ્યા છે. તે બંધ કરાવવા અંગે નિર્ણય લેવા જણાવેલ છે.

રજૂઆતમાં જણાવેલ કે જયાં ૦.પ૧ એન. પી. થી વધુ રકમ છે. તે હોય ત્યાં રાઉન્ડ ફીગર કરાવી એક રૂપિયાનો ઉલ્લેખ કરવો જરૂર છે. જયાં પ૦ એન. પી. ની અંદરની રકમ હોય તે રકમ જતી કરવી જોઇએ જેથી ચલણમાં તાલમેલ જળવાય રહેશે. આમ કરવાથી નયા પૈસાનું ચલણ આપોઆપ બંધ થશે. રાષ્ટ્રીયકૃત બેંક ઓફ ઇન્ડીયાના મારા ખાતાની પાસબુકની છેલ્લામાં છેલ્લા ટ્રાન્ઝેકશનની ખરાય માટે ઝેરોક્ષ મોકલું છું. જેમાં આજની તારીખે નયા પૈસાનો ઉલ્લેખ છે.

(11:39 am IST)