સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

રાણપુર હોમગાર્ડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

ભાવનગર તા. ૯: બોટાદ જીલ્લાના રાણપુર ગામે રહેતા અશોકભાઇ પીપળીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન હોમગાર્ડમાં ફરજ બજાવે છે. બુધવારે પોતાના ઘરેથી ફરજ ઉપર જવા નીકળ્યા હતા. રાણપુરની કોર્ટ શંકુલમાં ગઇકાલે મોડી રાત્રે તેમની નોકરી હતી. દરમ્યાનમાં ગુરૂવારે વ્હેલી સવારે રાણપુરના ક્રિષ્ના કોમ્પ્લેક્ષ અને જન્મભૂમિ હાઇસ્કૂલ વચ્ચે આવેલા નવેળામાંથી શંકાસ્પદ હાલતમાં હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા રાણપુર પોલીસ મથકના પીએસઆઇ રામાણી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખવિધી કરતા આ લાશ હોમગાર્ડ જવાનની હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે તેની હત્યા કરાઇ છે કે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ ઘનીષ્ટ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારના સીસી ટીવી કુટેજ પણ ચેક કરાયા હતા. પરંતુ ખાસ શંકાસ્પદ કોઇ બાબત જાણવા મળી નથી. પોલીસે આ બનાવની ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)