ચાકુ બતાવીને પત્નીને મારી નાખવાની ધમકી ભાણવડનો બનાવ
જામ ખંભાળિયા,તા.૯: ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે રહેતા ગીતાબેન વિક્રમભાઇ મોઢવાડિયા નામના ૫૩ વર્ષના મેર મહિલાને તેણીના પતિ વિક્રમ અરજણભાઇ મોઢવાડિયા સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હોય, જેથી ગીતાબેન ભાણવડ ખાતે રહેતા હતા. તેણી કામ પર હતા, ત્યારે તેણીના પતિ વિક્રમે ગીતાબેન પાસે આવીને કહેલ કે ''તારે મારી સાથે આવું છે કે નહી?'' - આમ કહેતા તેણીએ ના કરી હતી. જેથી ઉશ્કેરાયેલા વિક્રમએ ગીતાબેનને ગાળો કાઢી, ''મારી સાથે ચાલ નહીંતર મારી મોટરસાયકલમાં રહેલા ચાકુ વડે તને મારી નાખીશ અને કંઇ સારાવાટ નહીં રહે''- તે પ્રકારની ધમકી આપ્યાનું જાહેર થયુ છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે ગીતાબેનની ફરિયાદ પરથી તેણીના પતિ વિક્રમ સામે આઇ.પી.સી. કલમ ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.