સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

જીતુભાઇ સોમાણીની વિજય યાત્રામાં વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખીને જોડાયા

વાંકાનેરમાં ભાજપનો ભગવો લ્હેરાયોઃ ૬૭-વાંકાનેર-કુવાડવા-વિધાનસભા ઉમેદવાર જીતુભાઇ સોમાણીનો જવલંત વિજયઃ આખરે ૬૭-વાંકાનેર-કુવાડવા વિધાનસભામાં છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસ શાસનનો અંતઃ હવે શહેરના વિકાસ કામો થશે, તે જ ગતીથીઃ જીતુભાઇ સોમાણીઃ નરેન્દ્રભાઇ મોદી અને અમીતભાઇ શાહએ જીતુભાઇ સોમાણી પર વિશ્વાસ સાચો ઠર્યો : અબીલ-ગુલાલ અને આતશબાજીની રમઝટ સાથે નિકળેલ ભવ્ય વિજયયાત્રામાં અઢારેય વરણના ભાઇઓ-બહેનો હર્ષભેર જોડાયાઃ જીતુભાઇ ઉપર શહેરભરમાં થઇ પુષ્પ વર્ષાઃ શહેરમાં પુષ્પો ખુટી પડયા : વાંકાનેરમાં મોબાઇલ અને સોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલઃ 'સ્વર્ગમાં ઇન્દ્ર, દેશમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભુપેન્દ્ર, વાંકાનેરમાં જીતેન્દ્ર'

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૯ : ૬૭-વાકાંનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં ત્રિ-પાંખીયા જંગમાં મુખ્ય ત્રણ પક્ષ ભા.જ.પ.-કોંગ્રેસ આપ સિવાયના દસ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં તમામ ઉમેદવારોને પાછળ ધકેલવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઇ સોમાણી સફળ રહ્યા હતા. દર વખતની ચૂંટણીમાં ભોળા મતદારોએ આ વખતની ચૂંટણીમાં સાત વખત વિચાર કરીને પોતાના મત અધિકારનો ઉપયોગ કરેલ હતો.

જેમાં પ્રજાને પડતી આફતમાં રાત હોય કે દિવસ હોય તાત્કાલીક પ્રજાની વચ્ચે રહેતા હોય અને વિકાસ ને વેગ મળે તેવા ઉમેદવારને ચૂંટી કાઢવાનો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શહેરભરમાં તમામ મતદારોના મુખેથી સાંભળવામાં આવતા શબ્દો પહેલી તારીખે સવારે પહેલા સોમાણી પછી ચા-પાણી સુત્રને સાર્થક કરી બતાવ્યો હતો.

આ ઉપરાંત જીતુભાઇ સોમાણીએ દ્વારા જણાવેલ કે પ્રજાએ જે મારા મુકેલ વિશ્વાસ કોઇ પણ સંજોગોમાં એળે નહીં જવા દઉં અને વાંકાનેર- કુવાડવા મત વિસ્તારના વિકાસના કામ પર પણ હું સદા અગ્રેસર રહીશ.

જેમાં સૌરાષ્ટ્રની ખૂબ જ પ્રતિષ્ઠાના જંગ સમી ૬૭-વાંકાનેર-કુવાડવાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને ૭૯,૮૬૮ મત કોંગ્રેસના જાવિદભાઇ પીરઝાદાને ૬૦,૩૪૩ મત તથા આપના વિક્રમભાઇ સુરાણીને ૫૩,૦૨૯ મત મળ્યા હતા અન્ય ઉમેદવારોને ૮૦૨૬ મત ગણતરીના અંતે ભા.જ.પના ઉમેદવાર જીતુભાઇ સોમાણી ૧૯,૫૨૫ મતની જંગી સરસાઇથી વિજેતા જાહેર થયા હતા.

સાંજે પાંચ વાગ્યે જીનપરા જકાતનાકેથી ભવ્યતાથી ભવ્ય વિજય યાત્રાનો પ્રારંભ થયેલ જે શહેરના મુખ્ય રાજમાર્ગ જીનપરા, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, પ્રતાપ ચોક, રામ ચોક, માર્કેટ ચોક, દિવાનપરા થઇ  જડેશ્વર રોડ પર આવેલ 'માં ગુંદીવાળા મેલડી માતાજી'ને શીશ ઝુકાવશે ત્યારબાદ વિજયયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.

આ વિજયયાત્રામાં શહેરના અઢારેય વર્ષ હર્ષભેર જોડાયો હતો. ઉપરાંત વાંકાનેર રઘુવંશી વિરલાને વધાવવા સમાજના તમામ ભાઇઓ-બહેનો તથા મોરબી, ટંકારા, રાજકોટ, કુવાડવા સહિતના લોહાણા મહાજન અગ્રણીઓ-આગેવાનો વાંકાનેર ખાતે રઘુવંશી સમાજના વધામણા કરવા વાંકાનેર પહોંચ્યા હતા.

જીતુભાઇ સોમાણી પર શહેરભરના તમામ વ્યાપારીઓએ પુષ્પવર્ષા-હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે ચૂંટણીની સેન્સ પ્રક્રિયા પુરી થઇ ત્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા અમિતભાઇ શાહને જીતુભાઇ સોમાણી પર અતુટ વિશ્વાસ હતો અને આ વિશ્વાસ અને ડબલ એન્જીન સરકારને વધુ મજબુત બનાવવા જીતુભાઇ સોમાણીના નામ પર મ્હોર મારવામાં આવી હતી. અને શ્રી સોમાણીએ નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહને જે વિશ્વાસ હતો તે તુટવા ન દીધો.

સેન્સ આપવામાં ૩૫ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં પ્રબળ દાવેદારી શ્રી સોમાણી દ્વારા નોંધાવવામાં આવી હતી. અને દિલ્હીમાં બેઠેલા આ બંને મહાનુભાવોએ જીતુભાઇ સોમાણી પર વિશ્વાસ મુકયો હતો.

આજની વિજય યાત્રામાં દરેક સમાજના ભાઇઓ-બહેનો સહિત ૨૦,૦૦૦ની માનવ મેદની ઉમટી પડેલ હતી. સાથે સાથે તમામ લોકો માટે યુધ્ધના ધોરણે ભોજન વ્યવસ્થા પણ જીતુભાઇ દ્વારા કરવામાં આવી હતી.

આ ઐતિહાસિક વિજય યાત્રાની આભાર વિધી કરતા જીતુભાઇ સોમાણીએ પ્રવચન આપતા જણાવેલ કે પ્રભુ રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ કરી આવ્યા હતા અને આજે હું પંદર વર્ષનો વનવાસ કરીને આવ્યો છુ તેનો હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા અમિતભાઇ શાહ અને તમામ જનતા જર્નાદન મારા મતદાર ભાઇઓ-બહેનોનો હું આભારી છું. આજ સુધી હું મારા નગરની જનતા સાથે રહ્યો છું. અને રહેવાનો છું.

(11:49 am IST)