સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th December 2017

ભાવનગર જીલ્લામાં મતદારોની લાઇનો : જીતુભાઇ વાઘાણી, પરસોતમ સોલંકી, વિભાવરીબેન દવે, ડો. કળસરીયાનું મતદાન

ભાવનગર, તા. ૯ : ભાવનગર જીલ્લાની ૭ વિધાનસભા બેઠકોની ચૂંટણીનું મતદાન આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થયું હતું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ખાસ કરી શહેરી વિસ્તારમાં સવારથી જ મતદારોની લાઇન મતદાન મથકો ઉપર જોવા મળી હતી. સવારે જ ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મંત્રી પરસોત્તમભાઇ સોલંકી, સસદીય સચીવ વિભાવરીબેન દવેએ મતદાન કર્યું હતું.

ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારે ૮ વાગ્યાથી ભાવનગરમાં ૭ વિધાનસભા બેઠકો મળે, મતદાન શરૂ થયું હતું. આ વખતે શરૂઆતથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને લોકો મતદાન કરવા જઇ રહ્યા હતાં. ભાવનગર જીલ્લાની ૭ બેઠકની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૭૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. ૭ બેઠક ઉપર કુલ ૧૬ લાખ ર૭ હજાર ૯પ૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૮ લાખ ૪૯ હજાર ૬૭૬ પુરૂષ મતદારો અને ૭ લાખ ૭૮ હજાર ર૪૯ સ્ત્રી મતદારો અને અન્ય મતદારોની સંખ્યા ર૯ છે.

હાલ ભાવનગર જીલ્લાની સ્થિતિમાં ૭ પૈકી એક બેઠક કોંગ્રેસ પાસે છે જયારે ૬ બેઠક ભાજપ પાસે છે.  પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે જેની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ મેદાનમાં ભાવ. ગ્રામ્યમાંથી રાજયમંત્રીઅ ને કોળી સમાજના કદાવર નેતા પરસોતમભાઇ સોલંકીની સામે કોંગ્રગ્રેસ પણ કોળી ઉમેદવાર કાંતીભાઇ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે.

ભાવનગર પૂર્વમાંથી સંસદીય સચિવ વિભાવરીબેન દવેને ભાજપે સતત ત્રીજી વખત ટીકીટ આપી છે. વિભાવરીબેન સામે કોંગ્રેસે કોળી જ્ઞાતિના યુવા અને શિક્ષત મહિલા નીતાબેન રાઠોડને મેદાનમાં ઉતારતા આ બેઠક પર બે મહિલા સાથે કાંટેકી ટક્કર જેવો રસાકસીભર્યો જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક ઉપર કુલ ચાર  જ ઉમેદવારો છે અને કોંગ્રેસ-ભાજપની મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ફાઇટ છે.

પાલીતાણા બેઠક ઉપર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડની સામે ભાજપે પક્ષ કોળી ઉમેદવાર ભીખાભાઇ બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાંથી બળવો કરી નાનુભાઇ તથા પ્રવિણભાઇ ગઢવીએ અપક્ષ તરીકે ઝંપલાવતા આ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાશે.

ગારીયાધારમાંથી ભાજપને સતત પાંચમી વખત કેશુભાઇ નાકરાણીને ટિકીટ ફાળવી છે તો કોંગ્રેસ પરેશભાઇ એજાને મેદાનમાં ઉતાર્યા છે. કોળી સમાજના નેતા મનુભાઇ ચાવડા જનપેનના પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

તળાજા બેઠક ઉપર ભાજપના ગૌતમભાઇ બારૈયા અને કોંગ્રેસના કનુભાઇ બારૈયા વચ્ચે સીધી હરીફાઇ છે. મહુવા બેઠક ઉપર ભાજપના આર.સી. મકવાણા સામે કોંગ્રેસે વિજયભાઇ બારૈયાને ટીકીટ ફાળવી છે. આ બેઠક ઉપર પણ ભાજપમાંથી બળવો કરી સીનીયર નેતા બીપીનભાઇ સંઘવી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  તો પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયાએ પણ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે.

આમ ભાવનગર જીલ્લામાં ૭ બેઠકો ઉપર રસાકસીભર્યો જંગ ખેલાશે.

(11:42 am IST)