સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

અયોધ્યા મામલે બંને પક્ષોની શ્રધ્ધા વધે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે : પૂ. ભારતીબાપુ

બે વર્ષમાં રામ મંદિરના દર્શન કરતો જઉ એવી ભાવના સાથે મને ખૂબ ખૂબ આનંદ છે

જૂનાગઢ : અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની મંજૂરી આપી છે અને મસ્જીદ બનાવવા માટે મુસ્લીમ લોકોને અન્ય સ્થળ પર પાંચ એકર જમીન આપવાનું જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે આપેલા રામ મંદિરના ચુકાદા બાબતે જૂનાગઢના ભારતી બાપુએ પ્રતિક્રિયા આપી હતી. ભારતીબાપુએ જણાવ્યુ હતું કે, બંને પક્ષોની શ્રધ્ધા વધે તેવો સુંદર ચૂકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ એવો ચૂકાદો આપ્યો છે કે, ત્રણ મહિનામાં કેન્દ્ર સરકાર મંદિરનું ટ્રસ્ટ બનાવીને મંદિરની ખૂબ સુંદર રીતે રચના કરે અને અન્ય સ્થળ પર 5 એકર જમીન ફાળવીને ત્યાં મસ્જીદનું નિર્માણ કરવાની છૂટ આપી છે.

 ભરતીબાપુએ વધુમાં જણાવ્યું કે મને એમ લાગે છે કે, હજારો વર્ષથી હિદુઓની આસ્થા રામ જન્મભૂમિ માટે હતી. કારણ કે, આપણા 24 અવતારોમાં રામ અને કૃષ્ણને વિશિષ્ટતા આપવામાં આવી છે. ભગવાન રામની શ્રધ્ધા જન જનમાં હોય અને મુસ્લિમ ભાઈઓને પણ તેમનો આદર હોય. મુસ્લિમોનું સન્માન અને તેમનું ધર્મસ્થાન સચવાય તેવો ચૂકાદો આજની ખંડપીઠે આપ્યો છે.

ભારતીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મારી અત્યારે ઉમર 90 વર્ષની થઇ છે અને બે વર્ષમાં રામ મંદિરના દર્શન કરતો જઉ એવી ભાવના સાથે મને ખૂબ ખૂબ આનંદ છે.

(12:32 am IST)