સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

મોરબીના બગથળા તલાટી મંત્રીની બદલી સામે વિરોધ

મોરબી,તા.૯:  બગથળા ગામના તલાટી મંત્રીની બદલીનો વિરોધ ઉઠયો છે. ફરીથી બગથળા મુકવા માંગણી થઇ રહી છે.

બગથળા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીની બદલી બગથળા ગ્રુપમાંથી પાનેલી ગ્રુપમાં કરવામાં આવી હતી. જે પરત બગથળા ગ્રુપમાં કરવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે પંચાયતના સરપંચ હરેશભાઈ કાંજીયાએ જીલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બગથળા ગામના તલાટીકમ મંત્રી યુ.કે. ચંદ્રાસલાની બદલી પાનેલી ગ્રુપમાં કરવામાં આવી છે તલાટીમંત્રી ગામના વિકાસના તથા ગામ લોકોના કામો ખડેપગે રહીને કરી રહ્યા છે. આજ દિવસ સુધી આવા તલાટી-કમ-મંત્રી બગથળા ગામને મળ્યા નથી. તેમજ બગથળા ગામ મોટું હોય અને સાંસદ આદર્શ ગામમાં સમાવેશ થયેલ હોવાથી વધુ કામગીરી રહે છે ગામમાં હજુ દ્યણા વિકાસના કામો બાકી છે. ખરા અર્થમાં આ સરકારની સાંસદ ગામની યોજના પૂર્ણ કરવા માટે આ અધૂરા રહેલા વિકાસના કામો પરિપૂર્ણ કરવા આવા દિવસ-રાત જોયા વગર કામ કરનાર ખંતીલા તલાટી કમ મંત્રીની જરૂરિયાત છે.

પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજનાની કમિટી રચનાની માગણી

સમગ્ર રાજય સાથે મોરબી જીલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો પરેશાન છે અને તાજેતરમાં મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને હૈયાધારણા આપી હતી ત્યારે સંસ્થા દ્વારા રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય કમિટીની રચના કરીને સાર્વજનિક કરવાની માંગ કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે અછતના મેન્યુઅલની જોગવાઈઓની અમલવારી તો હજુ સુધી આપની સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. પરંતુ જો ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ ક્રમાંક નં. ૯. સચિવાલય ગાંધીનગર જોગવાઈઓ મુજબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ઓપરેશન ગાઈડ લાઇન મુજબ જુદા જુદા ૪ પ્રકારના જોખમોમાં નુકશાનની આકારણીઙ્ગઅર્થ આ મુજબ ની કમિટીઓની રચના કરવી જરૂરી છે. જેમાં (૧) જિલ્લાકક્ષાની કમિટી (૨) તાલુકાકક્ષા ની કમિટી (૩) ગ્રામ્યકક્ષાની કમિટીની રચના કરવાની જોગવાઈઓ છે તે મુજબની કમિટીઆ બનાવીને તેને તાત્કાલિક સાર્વજનિક કરવામાં આવે તેવી માંગ કરી છે.

(1:15 pm IST)