સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

દેવભૂમિ જિલ્લામાં સાત માસમાં સોળ કરોડની ખનિજ ચોરી પકડી

ખાણ ખનિજ અધિકારી એન.એ. પટેલ તથા ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

ખંભાળીયા, તા. ૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતી ખનિજ ચોરીની પ્રવૃત્તિ અંગે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનિજ અધિકારી એન.એ. પટેલ તથા તેમની ટીમ દ્વારા ગત એપ્રિલથી ઓકટોબર-૧૯ સુધીમાં સાત માસમાં સોળ કરોડ ઉપરાંતની ખનિજ ચોરી પકડીને રેકોર્ડ સર્જયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ખનિજ ચોરીના મોટાભાગના કેસો બોકસાઇટના થતાં હતાં, પરંતુ જિલ્લા માણ ખનિજ અધિકારીશ્રી પટેલ દ્વારા જિલ્લાના ભાણવડ તાલુકામાં ચાલતા પથ્થર બેલાના ગેરકાયદે વેપાર તથા ખનિજ ચોરી પર લાલ આંખ કરીને સાત માસમાં પંદર કરોડ ઉપરાંતની ખનિજ ચોરી તો આજ વિસ્તારમાંથી પકડીને સપાટો બોલાવ્યો છે.

ખાણ ખનિજ જિલ્લા અધિકારીશ્રી પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગત એપ્રિલ-૧૯થી અત્યાર સુધીમાં ઓકટો-૧૯ સુધીમાં સાત માસમાં કુલ ૧૧૪ કેસો જુદા જુદા વિસ્તારમાં થયેલા છે જેમાં ૧૬ કેસોમાં પોલીસ ફરીયાદ થઇ છે તથા સોળ કરોડ એકયાસી લાખ ઉપરાંતની રકમની ચોરી પકડાઇ છે જે અંગે ૧૬ વિવિધ પોલીસ ફરીયાદો પણ થઇ છે તથા ૧.૮૩ કરોડનો દંડ વસુલ પણ કરવામાં આવ્યો છે.

બોકસાઇટ મંદ થતા સફેદ પથ્થરની ચોરી

અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઇટની ભયંકર ખનિજ ચોરી થતી હતી જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ કરોડોપતિ થઇ ગયા હતા પણ તેમાં મંદી આવતા ખનિજ ચોરોએ તેમનું નેટવર્ક સફેદ પથ્થરના બેલા પર કેન્દ્રીત કરીને તેમાં કરોડોની ખનિજ ચોરી અટકાવી જમીનોમાં કરતા ખાણ ખનિજ અધિકારીની ટીમ દ્વારા સઘન ચેકીંગ કરીને ૧૬ કરોડની ખનિજ ચોરી માત્ર સાત મહીનામાં જ પકડી પાડી છેે.

૬૦ થી વધુ વાહનો પકડાયા

ખનિજ ચોરીના ૧૧૪ કેસોમાં હાઇવે પર ચેકીંગ કરીને ખાણ ખનિજ અધિકારીની ટીમ દ્વારા ૬૦થી વધુ ટ્રકો ડમ્પરો પકડી ડીટેન કરાયા છે. અમુક કેસોમાં દંડ ના ભરાતા ટ્રકોના થપ્પા ખંભાળીયા, ભાણવડ પોલીસ સ્ટેશને થયા છે. સમગ્ર ચેકીંગ તથા દરોડા દંડ અને પોલીસ ફરીયાદ કામગીરી જિલ્લા ખાણ ખનિજ અધિકારીશ્રી એન.એ. પટેલ, ઇન્સ્પેકટર ચિંતન દવે, ભવદીપ ડોડીયા તથા હર્ષદ પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(1:13 pm IST)