સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ગોંડલમાં ધોળા દિ'એ ચીલઝડપ કરનાર રાજકોટના બે રીઢા ગુન્હેગારોને ઝડપી લેતી રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

પકડાયેલ લખન ઉર્ફે ચીલઝડપ્યા સામે લૂંટ, ચોરી અને ચીલઝડપના ર૬ તથા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર સામે ચોરી, લૂંટ, ઠગાઇ અને ચીલઝડપના અડધો ડઝન ગુન્હાઓ નોંધાયા છેઃ પીઆઇ રાણા તથા ટીમને સફળતા : રાજકોટમાં ચીલઝડપના ગુન્હામાં જેલમાંથી છુટયા બાદ તુર્ત જ ગોંડલ પાસે બંન્નેએ ચીલઝડપ કરી'તી

રાજકોટ, તા., ૯: ગોંડલ તાલુકા વિસ્તારમાં ચીલઝડપ કરનાર રાજકોટના બે રીઢા ગુન્હેગારોને રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ ડીટેકટ કરવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા તથા રવિદેવ બારડને મળેલ હકીકતને આધારે ગોંડલ તાલુકા વિસ્તારમાં ચીલઝડપ કરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતેશ વલ્લભભાઇ રાઠોડ (દેવીપુજક) (રહે. ચુનારાવાડ, કુબલીયા પરા, શેરી નં. પ-રાજકોટ) તથા લખન ઉર્ફે ચીલઝડપ્યો બચુભાઇ માલાણી  (રહે. ચુનારાવાડ, શેરી નં. ૧/૧૪, કેૈલાસ પાન સામે, રાજકોટ)ને એક બાઇક તથા બે મોબાઇલ સાથે પકડી પાડી પુછપરછ કરતા આ બંન્ને સહિત ૩ શખ્સોએ વિરપુરથી ગોંડલ તરફ ચોરડી પાસે એક બાઇકમાં પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન કિંમત પ૪,૮પ૦ ચીલઝડપ કરી નાસી છુટયાની કબુલાત આપી હતી.

ત્યાર બાદ આ બંન્ને શખ્સોએ આ ચેઇન તેના સંબંધી આરતીબેન વિજયભાઇ મકવાણા (રહે. લાખાજીરાજ રોડ, ઉદ્યોગનગર, શેરી નં. પ-રાજકોટ)ને આપેલ અને તેણે આ ચેઇન મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકી પ૯,૦૦૦ ની લોન લઇ લીધી હતી.

પકડાયેલ જીતેશ ઉર્ફે જીતેન્દ્ર સામે અગાઉ રાજકોટ શહેર, ગોંડલ સીટી, જેતપુર સીટી તથા અમરેલી જીલ્લામાં મારામારી, લૂંટ-ચોરી તથા ચીલઝડપના ર૬ જેટલા ગુન્હાઓ નોંધાયા છે. તેમજ લખન ઉર્ફે ચીલઝડપ્યા સામે અગાઉ રાજકોટ શહેરમાં ઠગાઇ, ચોરી તથા લૂંટના અડધો ડઝન ગુન્હાઓ નોંધાયા છે. પકડાયેલ બંન્ને શખ્સો તાજેતરમાં જ રાજકોટના ચીલઝડપના ગુન્હામાં પકડાયા'તા અને જેલમાંથી છુટયા બાદ તુર્ત જ ચોરડી પાસે ચીલઝડપ કરી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જાની, શકિતસિંહ જાડેજા, નારણભાઇ પંપાણીયા, બાલકૃષ્ણ ત્રિવેદી, મનવીર મિયાત્રા, દિવ્યેશ સુવા, કુમાર ચૌહાણ, મહેુલ સોનરાજ, કૌશીક જોષી, રસીક જમોડ, ભાવેશ મકવાણા, ડ્રાઇવર એએસઆઇ અમુભાઇ વીરડા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર દવે તથા પો.કો. અનિરૂધ્ધસિંહ જાડેજા રોકાયા હતા.

(11:57 am IST)