સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th November 2018

સાવરકુંડલામાં એક બીજા પર ફટાકડા ફેંકીને દિવાળીની થાય છે ઉજવણી : છ દાયકાથી રમાઈ છે ઈંગોરીયા યુધ્ધ

સાવર અને કુંડલા એમ બે ભાગમાં યુવાનો વેહેંચાઇને સામસામા સળગતા ઇંગોરીયા ફેંકીને કરે છે લડાઈ

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીના તહેવાર પર છેલ્લા છ દાયકાથી ઈંગોરીયા યુદ્ધ રમાય છે જેમાં ગામમાંથી પસાર થતી નદીના બંને બાજુના ગામના યુવાનો એક બીજા પર ઈંગોરીયા ફટાકડા ફેંકી દિવાળીની ઉજવણી કરે છે.
 વર્ષો  પહેલા સાવર અને કુંડલા એમ બે ભાગમા યુવાનો વહેંચાઈ જતા અને રાત્રે દસ વાગ્યાથી સવાર સુધી સામસામે સળગતા ઈંગોરીયા ફેકી લડાઇ કરતા હતા. આ યુધ્ધ માત્ર સાવરકુંડલામા જ ખેલાય છે. આ લડાઇને જોવા માટે સાવરકુંડલાના બહારગામથી આવતા મહેમાનો તેમજ વિદેશમાં રહેતા લોકો પણ આવે છે.
  સાવરકુંડલા વિસ્તારમા આ ઈંગોરીયાનો છોડ જોવા મળે છે. જેના પર ચીકુ જેવું ફળ ઊગે છે તેને ઈંગોરીયુ કહેવાય છે. આ ઈંગોરીયાને તોડીને સુકવીને તેમાં ડ્રીલથી હોલ પાડીને દારૂખાનું ભરવામા આવે છે. આ દારૂખાનુ કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભુક્કો કરાય છે. તેમા ગંધક સુરોખાર ભેળવી આ દારૂખાનુ તૈયાર કરવામા આવે છે.

(5:13 pm IST)