સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th October 2018

પૂ. ગોપાલાનંદજી મહારાજ સંયમ અને નિયમને પાળનાર તપસ્વી સંત હતાઃ જીજ્ઞેશદાદા

ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાએ બ્રહ્મલીન સંતને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

ભેસાણ, તા. ૮ :. બ્રહ્મલીન થયેલ અખીલ ભારત સાધુ સમાજના પ્રમુખ અને મહાન સંત શિરોમણી પૂ. ગોપાલાનંદજી મહારાજની આજે બિલખા ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં જાણીતા ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાએ ઉપસ્થિત રહીને બ્રહ્મલીન સંતને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

બિલખા ખાતે પ્રાર્થનાસભામાં પૂ. જીજ્ઞેશદાદા પહોંચ્યા હતા અને અગ્નિઅખાડાના નવનિયુકત સભાપતિ મુકતાનંદજી મહારાજ સમક્ષ દિલસોજી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, પૂ. ગોપાલાનંદજીબાપુ સંયમ અને નિયમને પાળનાર એક તપસ્વી સંત હતા. તેઓની અદભૂત તપશ્ચર્યા થકી ધર્મપ્રિય સમાજને નવી ઉર્જા મળતી રહેતી હતી. તેઓ માત્ર ધર્મનું સંચાલન જ નહી પરંતુ સમાજમાં સંસ્કારોનું સિંચન કરવામાં પણ અગ્રેસર રહેતા હતા જ્યારે જ્યારે ધર્મ સંપ્રદાયો ઉપર ખતરો આવ્યો છે ત્યારે આ મહાન વિભૂતિએ એક સંત તરીકેની ભૂમિકા બખુબીપૂર્વક નિભાવી છે. તેઓ સનાતન ધર્મના આધારસ્તંભ હતા. તેમની વિદાય સમગ્ર સાધુ-સંતો, સેવકો અને ધર્મપ્રિય લોકો માટે વસમી બની છે.

(2:13 pm IST)