સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th October 2018

ભાવનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લેતા રેલ્વે બોર્ડના ચેરમેનઃ નવી ટ્રેઇન મળે તેવી શકયતા

ભાવનગર. તા.૯ :   ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વીની લોહાની આજે ભાવનગર  આવી વર્કશોપ ભાવનગર પરા સ્ટેશન, રેલ્વે હોસ્પિટલ, ભાવનગર ટર્મિનસ વગેરે મુલાકાત લઇ ઇન્સપેકશન કર્યુ હતુ.

ભાવનગર રેલ્વે ડિવિઝનને છેલ્લા ઘણા સમયથી અનેક રેલ્વેની સમસ્યાઓ ભોગવી રહ્યું છે. જેમા ખાસ મહત્વનું કે ભાવનગરથી અમદાવાદ જવા માટે એકપણ સીધી ટ્રેઇનની વ્યવસ્થા નથી. અત્યારે ભાવનગરને અનેક નવી સુવિધાઓ જેવી કે ભાવનગર- અમદાવાદ ઇન્ટરસીટી ડેઇલી ટ્રેન, ભાવનગર હરિદ્વાર, સુરત વગેરેની  તાતી જરૂર છેે અને ટ્રેનોની અસુવિધા ભાવનગર ભોગવી રહ્યું છે ત્યારે ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વીનીજી લોહાની ભાવનગર ઇન્સપેકશનમાં આવતા ભાવનગર માટે અનેક નવી ટ્રેનો અનેક સુવિધાઓ આગામી દિવસોમાં સત્તાવાર જાહેર થાય તેવી શકયતા છે રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વીનીજી આ બાબતે હકારાત્મક પ્રતિભાવ ઉચ્ચ અધિકારી,કર્મચારીઓ યુનિયન અને રાજકીય આગેવાનોને મળ્યા બાદ સંકેત આપ્યો હતો. ભારતીય  રેલ્વે બોર્ડના કોઇ ચેરમેન ભાવનગર આવ્યાનો આ પ્રથમ પ્રસંગ છે. રેલ્વે અધિકારીઓ અશ્વીનીજી આવ્યાને મહત્તવપૂર્ણ માની રહ્યા છે.

ભાવનગરમાં અશ્વીનીજી લોહાનીનું ભાવનગર રેલ્વે સ્ટેશન ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારબાદ તેણે રેલ્વે વર્કશોપની મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યા હતા. અને છેલ્લા ઘણા વખતથી  વર્કશોપ અનેક સુવિધાઓથી વંચિત હતુ. તેમાં પણ હવેના દિવસોમાં સુધારો થશે. ભાવનગર રેલ્વે ટર્મિનસ, રેલ્વે હોસ્પિટલ અને ભાવનગર પરા સ્ટેશનની મુલાકાત લીધી હતી અને વિવિધ બાબતો નિહાળી હતી.(૧૧.ર)

(11:56 am IST)