સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th October 2018

પ૦ ટકાના ભાવે જાલીનોટો અપાતી'તીઃ જાલીનોટ કૌભાંડમાં પકડાયેલ ૫ શખ્‍સો ૩ દિ'ના રિમાન્‍ડ પર

રાજકોટ, તા., ૯: પાટણવાવના છાડવાવવદર ગામમાંથી  પાંચ શખ્‍સોને નવી ર૦૦૦ અને પ૦૦ની જાલીનોટોના જથ્‍થા સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધા બાદ એસઓજીએ તપાસનો દોર સંભાળી પાંચેય શખ્‍સોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિ'ના રિમાન્‍ડ પર સોંપવા હુકમ કર્યો છે. પકડાયેલ આરોપીઓ પ૦ ટકાના ભાવે અમદાવાદના હેમાંશુ પાસેથી જાલીનોટો લેતા હોવાનું ખુલ્‍યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવના છાડવાવવદર ગામે  રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમે    દરોડો પાડી નવી ર૦૦૦ના દરની ૩૬ જાલીનોટ તથા પ૦૦ના દરની ૪ જાલીનોટ સાથે જતીન રસીકભાઇ વાઘેલા (રહે. છાડવાવદર), સાગર ઉર્ફે નુરી નાગજીભાઇ પરમાર (રહે. છાડવાવદર), વિમલ બિપીનભાઇ સોલંકી (રહે. શાપર, મૂળ ગામ માખીયાળા, તા. જી.જુનાગઢ), સંજય  પુનાભાઇ ચૌહાણ (રહે. નવાગઢ, જેતપુર) તથા ચિંતન ભરતભાઇ રાવલ (રહે. મોટી મારડ, તા. ધોરાજી)ને ઝડપી લીધા હતા.

પકડાયેલ ઉકત પાંચેય આરોપીઓને રીમાન્‍ડની માંગણી સાથે એસઓજીના પીઆઇ એમ.એન.રાણા તથા સ્‍ટાફે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિ'ના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. એસઓજીની એક ટીમ આરોપીઓને લઇને અમદાવાદ તપાસ અર્થે દોડી ગઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ છાડવાવદરમાંથી પકડાયેલ આરોપીઓમાં મુખ્‍ય સુત્રધાર જતીન વાઘેલા કે જે પાન-બીડીનો ધંધો કરે છે તે છે. તે જાલીનોટો અમદાવાદનો હિંમાશુ વણીક પાસેથી લાવતો હતો અને વટાવવા માટે તેના અન્‍ય સાગ્રીતોને આપતો હતો. જતીન વાઘેલાએ અત્‍યાર ુસુધીમાં દોઢેક લાખની જાલીનોટો બજારમાં તરતી મુકી દીધાનું ખુલ્‍યું છે. જતીન અમદાવાદના હિમાંશુ પાસેથી પ૦ ટકાના ભાવે જાલીનોટો લાવતો હતો. એટલે કે ૧ લાખના દરની જાલીનોટો સામે તે પ૦ હજાર રૂપીયા જ ચુકવતો હતો.  જાલીનોટોનો સપ્‍લાયર અમદાવાદનો  હિમાંશુ  વણીક પકડાયા બાદ જાલીનોટના રેકેટનો પર્દાફાશ થાય તેવી વકી છે. હિમાંશુએ પ લાખથી વધુ નોટો ઘુસાડી દીધી હોવાનું બહાર આવ્‍યું છે. જો કે તે આ પકડાયા બાદ જ આ જાલીનોટો કયાં છપાતી હતી ? અને કયાં કયાં વટાવી હતી ? તે બહાર આવશે. હિમાંશુને ઝડપી લેવા રૂરલ પોલીસની એક ટીમે અમદાવાદમાં ધામા નાખ્‍યા છે. વધુ તપાસ એસઓજીના પીઆઇ એમ.એન.રાણા તથા પીએસઆઇ વાય.બી.રાણા ચલાવી રહયા છે.

(11:29 am IST)