સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

ઘેડ પંથકમાં સવા છ ઇંચઃ મીણસર અને ભાદર ડેમ છલોછલ

ઘેડના ગોસા, નવાગામ ભડ ગરેજ સહિત ગ્રામ્યો વિસ્તારમાં રાત્રીથી સવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યોઃ સીમ વિસ્તારમાં પાણી ભરાયા

ગોસા ઘેડ તા. ૯: ઘેડ પંથકના ગોસા નવાગામ ભડ ગરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત મુશળધાર વરસાદ વરસી જતાં સવાર સુધીમાં સવા ૬ ઇંચ વરસાદ પડી ગયો હતો.

ચોમાસાનો ધોરી ગણાતો અષાઢ માસ કોરો ધાકોડ જતાં જગત તાત મુસીબતમાં મુકાય ગયેલ હતો ત્યારે અષાઢ અને શ્રાવણ માસ બાદ ભાદરવો ભરપુર હોય તેમ ભાદરવા માસ બેસતા જ વરસાદનો દોર ચાલુ થતાં આજે પણ વરસાદ ચાલુ હોય પોરબંદર પંથકના દરિયા પટી વિસ્તારના ગામડાંઓમાં આવે વહેલી સવારના ગોસા (ઘેડ), નવાગામ (રાજપર), ભડ, ગરેજ (ઘેડ), મિત્રાળા, દેરોદર, ભડ, મિત્રળા સહિતના ગામડાંઓમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો હોય તેમ આકાશમાં ઘનઘોર વાદળો છવાય જતાં ભારે વરસાદ પડતાં રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા. અને ખેતરોમાં પાણી પાણી જયાં જુઓ ત્યાં નજરે પડે છે. અને આ લખાય છે ત્યારે ગઇકાલનો ચાડા પાંચ ઇંચ તેમજ આજે સવારથી અત્યાર સુધીમાં સવા છ ઇંચ વરસાદ પડી ગયો છે. જેના કારણે સમગ્ર સીમ વિસ્તારમાં જમીન પાણીથી તરબોળ કરી દીધી છે.

ઉપરવાસ પણ સચરાસર વરસાદ હોવાથી મીણસાર અને ભાદર નદીમાં પણ પાણી આવતાં બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમજ ચિકાસા પાસે આવેલ ભાદફરપુલના બારણાં તેમજ પાથરા કેનાલના બારણાં પણ ખોલવા પડતાં તે બંને નદી અને કેનાલના બારણાં ખોલવામાં આવતાં વધારાનું પાણી દરિયામાં વહી જતાં કોઇ નુકશાની થવા પામી નથી. જયારે ગોસા (ઘેડ) અને મોકરના રણમાં સાકાર થયેલા કર્લી-૧ અને કર્લી-ર જળાશયમાં પણ વરસાદી પાણી અને ઉપરવાસ વરસાદના કારણે મીણસાર અને ભાદર નદીનું પાણી આવતાં આ બંને ડેમો પણ ભરાય ગયા છે અને હજુ પણ વરસાદનો આવો ચાલુ રહેશે તો આ બંને ડેમો પણ ઓવરફલો થવાની તૈયારી છે તેવું જાણવા મળે છે. આ લખાય છે ત્યારે પણ ધીમીધારનો દોર ચાલુ રહેલ છે.

(3:50 pm IST)