સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

સાવરકુંડલાઃ સુકનેરા ડેમના નવા નીરને વધાવતા ઉનાવા-ખુમાણ

સાવરકુંડલા તા.૯: સાવરકુંડલા શહેર અને ઉપરવાસના પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. અને સીજનનો સૌથી સારો વરસાદ બે દિવસમાં પડી ગયો છે.

ઉપરવાસ સારો વરસાદ પડતા સાવરકુંડલાના સુકનેરા ડેમમાં પ્રથમ વખત જ નવા નીર આવ્યા હતા. અને ડેમ ભરાવાની શરૂઆત થઇ છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરની જનતાને શહેરમાં આવેલા જુદા જુદા બોર માંથી પાણી પુરવઠો પહોચાડવામાં આવે છે. આ બધા બોરમાં પાણીનાI તળ ઉચા આવે તે માટે સુકનેરા ડેમમાં પાણી ભરાય તેની સમગ્ર શહેરની જનતામાં ઉત્સુકતા રહેતી હોય છે.

સુકનેરા ડેમમાં નવા નીરની આવક થતા સાવરકુંડલા નગરપાલિકાના યુવા નગરપતિ વિપુલભાઇ ઉનાવાએ નગરસેવક અશોકભાઇ ખુમાણ અને જગદિશભાઇ ઠાકોર સાથે સુકનેરા ડેમ અને બાજુમાં આવેલા ચેકડેમની મુલાકાત લઇ નવા નીરને વધાવ્યા હતા.

સુકનેરા ડેમમાં નવુ પાણી આવતા શહેરમાં આવેલા સંખ્યાબંધ બોરમાં પાણીના તળ ઉંચા આવતા આગામી વર્ષે શહેરીજનોને પાણીનો પ્રશ્ન નહી રહે તેવી આશા નગરપતિ વિપુલભાઇ ઉનાવાએ વ્યકત કરી છે.

(12:11 pm IST)