સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

ઠેર ઠેર વીજળી પડીઃ ૪ પશુઓ-૧ રણ કાગડાનું મોતઃ માતાની નજર સામે પુત્ર તળાવમાં ડૂબ્યો

 ભુજ, તા.૯:સારા વરસાદની સાથે માંડવી તાલુકાના ડોણ ગામનો જયોતેશ્વર ડેમ પાંચ વર્ષે ઓગન્યો છે. તો, કચ્છમાં વરસાદની સાથે સાથે વીજળી પડવાની અને વરસાદ દરમ્યાન ગામના તળાવના નવા પાણીમાં ડૂબવાની દ્યટનાઓ ચાલુ જ રહી છે. અબડાસા કોઠારાની નજીક આવેલા કડુલી ગામે પોતાની માતા કપડાં ધોઈ રહી હતી ત્યારે તળાવમાં નહાવા પડેલા ૧૫ વર્ષીય તરુણ અસગર ઇશા સંદ્યારનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. જયારે રવિવારે સાંજે વરસાદમાં ડરામણા અવાજો વચ્ચે કડાકા ભડાકા સાથે ચાર સ્થળે ત્રાટકેલી વિજળીએ ચાર પશુઓ અને એક પક્ષીનો ભોગ લીધો હતો. અબડાસાના લાલા ગામે બે જગ્યાએ વીજળી પડી હતી. જેમાં ઈબ્રાહીમ ઈભલા સંદ્યારની એક ભેંસ અને ત્રણ ગૌવંશના મોત થયા હતા જયારે ગામમાં અન્ય સ્થળે વાડીમાં વીજળી પડતા એક ખેડૂતનો કપાસનો પાક બળી ગયો હતો. મુન્દ્રાના ગુંદાલા ગામે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર પર વીજળી પડતાં અહીં આશ્રય લઈ રહેલા દુર્લભ એવા પક્ષી રણ કાગડાનું મોત થયું હતું. માંડવીના રત્નાપર ગામે દેવજી કરસન વાસાણીના મકાન ઉપર વીજળી પડતા અગાસીની ટાઈલ્સ તેમ જ વીજ ઉપકરણોને નુકસાન થયું હતું.

(11:32 am IST)