સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th August 2022

કચ્છમાં લમ્પીથી ગાયોના મોત મુદ્દે તંત્ર અને સરકાર સામે કોંગ્રેસ આક્રમક, ગૌ સંવેદના સંમેલન અને રેલી

"ગૌ માતા કરે પુકાર, કહાં ગયા વો ચોકીદાર":;કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો અંબરીષ ડેર, લલિત કગથરા, જાવેદ પીરઝાદા, ઋત્વિક મકવાણા અને રાજસ્થાનના મંત્રી સાલેમામાદ, સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા, પાલ આંબલીયાની આગેવાની હેઠળ ભુજમાં વિશાળ રેલી, કલેકટરે અક્કડ વલણ દાખવતા ચેમ્બરમાં ઘુસી રામધૂન બોલાવી, મોતના આંકડા છુપાવવાનો આક્ષેપ, પશુ દીઠ ૫૦ હજાર સહાય ચૂકવવા માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  કચ્છ જિલ્લામાં લમ્પીએ સર્જેલા ફફડાટ વચ્ચે મોતને ભેટેલી ગાયોના આંકડા, રસીકરણ અને સારવારના મુદ્દે કોંગ્રેસે આક્રમક વિરોધ સાથે સંમેલન અને રેલી યોજી ભાજપ સરકાર તેમ જ વહીવટી તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. લમ્પીના કારણે પોતાનું કિંમતી પશુધન ગુમાવનાર માલધારીઓને આર્થિક સહાય આપવાની માંગણી સાથે કોંગ્રેસે સરકાર સામે હલ્લાબોલ બોલાવી પસ્તાળ પાડી હતી. ભુજના ટાઉનહોલ મધ્યે "ગૌ સંવેદના"  સંમેલનમાં કોંગ્રેસના આગેવાનોએ સહાય ના આપવી પડે તે હેતુથી મોતને ભેટતી ગાયોના આંકડા વહીવટી તંત્ર અને સરકાર દ્વારા છૂપાવાઈ રહ્યા હોવાનો આરોપ મૂકી કચ્છમાં હજારો ગાયો મોતને ભેટી હોવાનો દાવો કર્યો હતો.

 

કોંગ્રેસના આગેવાનોએ કચ્છમાં ગાયોના રસીકરણના આંકડા અંગે પણ શંકા દર્શાવી હતી. મૃત ગાયોનો સર્વે કરવા કોંગ્રેસે શરૂ કરેલી કામગીરીમાં છેલ્લાં પાંચ જ દિવસમાં ૧૮૦૦થી વધુ ફોર્મ ભરાઈ ગયાં હોવાનું અને ૩૭૦૦થી વધુ ગાયો મૃત્યુ પામી હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.  સંમેલનમાં એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી રામ કિશન ઓઝા, રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી સાલેમામદ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ટંકારાના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા, રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર, વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, પ્રદેશ કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા સહિત કચ્છના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો જોડાયાં હતા.

 

આ પ્રસંગે નેતાઓએ વાછરડીનું પૂજન કરી ગૌમાતાની જય બોલાવી ‘ગૌમાતા કરે પુકાર, કહાં ગયા વો ચોકીદાર’‘ગાય હમારી માતા હૈ, ઉસકો હમેં બચાના હૈ' જેવા સૂત્રો પોકાર્યાં હતા. રાજ્ય સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં તલવાણા ગામના એક કોંગ્રેસી કાર્યકરે મુંડન કરાવ્યું હતું.

 

સંમેલન બાદ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયાં હતા. કલેક્ટરને બહાર આવી આવેદન પત્ર સ્વિકારવા આગેવાનોએ રજૂઆત કરી હતી પરંતુ કલેક્ટર પ્રવિણા ડીકેએ ઈન્કાર કરીને ચેમ્બરમાં પાંચથી દસ જેટલાં લોકોને જ આવેદન પત્ર આપવા આવવા જણાવ્યું હતું. તેના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો, કાર્યકરોનું ટોળું તેમની ચેમ્બરમાં ઘૂસી ગયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકો કલેક્ટરના ટેબલ સામે ભોંય ૫૨ બેસી ગયાં હતા અને રામધૂન બોલાવી હતી. કાર્યક્રમમાં પ્રદેશ મત્રીઓ આદમ ચાકી, વી.કે.હુંબલ, નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ચેતન જોશી, ગની કુંભાર, અરજન ભૂડિયા  સહિતના સ્થાનિક આગેવાનો જોડાયાં હતા વ્યવસ્થા હાસમ સમા, ધીરજ રૂપાણી, અંજલિ ગોર એ સંભાળી હતી. આભારવિધિ કિશોરદાન ગઢવીએ સંચાલન દીપક ડાંગરે કર્યું હતું.

(10:03 am IST)