સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th July 2020

ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલુ સંક્રમણઃ કોરોના અંગે લોકોમાં જાગૃતીનો અભાવઃ તબીબી આલમમાં ચિંતા

 ભાણવડ, તા., ૯: તાજેતરમાં જ સુરતથી આવેલા આઘેડનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર દરમ્યાન થયેલ મૃત્યુ તેમજ સ્થાનીક આરોગ્ય સેવા પ્રદાન કરતા ડોકટરો પાસે સારવાર લેવા આવી રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો  દ્વારા કેટલીક વખત મહત્વપુર્ણ કહી શકાય એવી માહીતી છુપાવવા જેવી પેચીદી બાબતોને અનુસંધાને ભાણવડ મેડીકલ પ્રેકટીશનર એસો. અને ભાણવડ-જામજોધપુર આઇ.એમ.એ. દ્વારા ભાણવડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

ભાણવડ મેડીકલ પ્રેકટીશનર એસો.ના પ્રમુખ ડો.શુકલ તથા ભાણવડ-જામજોધપુર બ્રાંચ આઇ.અમે.એ. ના  પ્રમુખ ડો.એમ.એચ. રાબડીયાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવા લાગ્યું છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આંતરીક સંક્રમણ ન વધે એ માટે માસ્કનો ઉપયોગ કરવો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સેનેટાઇઝ જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં કોરોના વાઇરસ અંગે ઓછી જાગૃતી હોય તેમ ચુસ્ત પાલન નથી થઇ રહયું જે ચિંતાજનક બાબત છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના ફેલાવાની વિપરીત અસર સ્થાનીક આરોગ્ય સેવા પ્રદાન કરનાર ડોકટરો પર વધુ પડી શકે છે કેમ કે જયારે અન્ય બિમારી માટે આ ગ્રામ્ય લોકો સ્થાનીક ડોકટરો પાસે આવે છે ત્યારે પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું છુપાવી સહકાર નહી આપી રહયા હોઇ તબીબોમાં ચિંતા ફેલાતી જાય છે અને ડરના કારણે ડોકટરો દવાખાના બંધ કરે કે ચેપગ્રસ્ત થાય અથવા કોરોન્ટાઇન થવાની ફરજ પડે તો અન્ય બિમારી માટે પણ તબીબી સેવા બંધ થઇ જેનો ભોગ લોકોને બનવુ પડી શકે છે જો આ બાબતોથી બચવુ હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની આસપાસના દર્દીઓની સાચી માહીતી આપે, બિમારી વખતે સારવાર લેવા ડોકટર પાસે જાય ત્યારે પોતાની ટ્રાવેલ  હિસ્ટ્રી, કોન્ટેકટ હિસ્ટ્રી વગેરેની સાચી માહીતી આપે જેથી સાવચેતીના પગલા રાખી શકાય અને પોતાના ખુદના પરીવાર તેમજ કોરોના વોરીયરની ભુમીકા ભજવતા ડોકટરોના હિતમાં જાગૃતી દાખવે એ જરૂરી છે.

વધુમાં ડો.રાબડીયાના જણાવ્યા મુજબ કોરોના વાઇરસને મોસમથી કોઇ ફર્ક નથી પડી રહયો લગભગ ત્રણેય ઋતુ આવરી લીધી છે કોરોનાએ અને આગામી ત્રણ મહિના બહુ જ સાવચેત રહેવું પડશે. કોરોનાનો કહેર હજુ વધુ વરતાઇ શકે છે. આ સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા જાગૃત થાય અને જરૂર પડયે સરપંચ, પોલીસ, સામાજીક આગેવાનો તેમજ ડોકટરો અને મીડીયાને સાચી માહીતી આપી સહાયરૂપ થાય એ આવશ્યક છે.(

(11:55 am IST)