સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th July 2020

ઉપલેટામાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો : ૮૦ વર્ષના વૃધ્ધનું મોત

૧૦ દિવસ પહેલા પત્નિ સાથે ગોંડલની હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા ગયા'તા : ૧૦ વર્ષથી વાઘજીભાઇ નાથાભાઇ સાકરીયાને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બિમારી પણ હતી : રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

ઉપલેટા તા. ૯ : રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોરોનાએ પ્રથમ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઉપલેટાના ૮૦ વર્ષના વાઘજીભાઇ નાથાભાઇ સાકરીયાની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. તેવી જ રીતે સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે હજુ પણ ઘણા લોકો આ ગંભીર મહામારી સામે એ જોઈએ એટલા સજાગ નથી બની રહ્યા હજુ પણ ઘણા બધા માણસો બેફિકર બનીને આમથી તેમ માસ્ક પહેર્યા વગર આટા ફેરા કરી રહ્યા છે.અને આ ગંભીર મહામારીને નોતરી રહ્યા છે તેવી જ રીતે છેલ્લા થોડાક જ દિવસોમાં જે રીતે ઉપલેટા શહેર અને તાલુકામાં કોરોનાના પોઝીટીવ કેસો વધી રહ્યા છે.

જેમાં શહેર અને તાલુકામા અત્યાર સુધીમાઙ્ગ કુલ ૨૪ કોરાનાના પોઝિટિવ કેસો નોંધાઈ ચુકયા છે જેમાં આજે ઉપલેટા શહેરના કોળી વાડા નાગનાથ ગેટ પાસે રહેતા વાઘજીભાઈ નાથાભાઈ સાકરીયા ઉં.વ. ૮૦ નામના વૃદ્ઘને આજે સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ ત્યારે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલેટાના મામલતદાર જી એમ મહાવદીયા, ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. હેપ્પી પટેલ તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ સિવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન તેમનુ રસ્તામાં જ મોત નીપજયું હતુ તેમની સાથે તેમના પુત્ર હસમુખભાઈ સાકરીયા પણ પીપીઈ કીટ પહેરીને તેમની સાથે ગયા હતા.

મૃતક વાઘજીભાઈ નાથાભાઈ સાકરીયા અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ તેમને છેલ્લા ૧૦ વર્ષથી બ્લડ પ્રેસર અને ડાયાબિટીસની તકલીફ હતી અને છેલ્લા ૨ દિવસથી તો જમવાનું પણ બંધ કરી દીધું હતુ તેમજ આજ સવારથી તો પાણી પણ પીવાનુ બંધ કરી દીધુ હતુ. મૃતક અંગે વધુમા જાણવા મળતી વિગતો પ્રમાણે લગભગ દસેક દિવસ પહેલા પોતાના પત્ની સાથે આંખના મોતિયાનુ ઓપરેશન કરાવવા માટે શ્રી રામ હોસ્પિટલ ગોંડલ ખાતે પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક વાઘજીભાઇ સાકરીયાના મૃતદેહને રાજકોટની ફાયર બ્રિગેડની ટીમના હરેશભાઇ છાંટબાર, હરેશભાઇ શિયાળ સહિતનાએ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરાઇ હતી.

(10:03 am IST)