સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th July 2019

જુનાગઢ કોર્પોરેશનમાં ચૂંટણી પહેલા ભાજપના ૩ ઉમેદવાર બિનહરીફ

વોર્ડ નં. ૩ માં કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા વિજેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯: જુનાગઢ મનપાની ચુંટણી પહેલા વોર્ડ નં. ૩ ના ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા નવા રાજકીય સમીકરણો સર્જાયા છે.

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારોના નામ પત્રોની ગઇકાલે ચકાસણી થઇ હતી. જેમાં વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવાર અને વોર્ડ નં. ૧ ના એનસીપીના ઉમેદવારનું ફોર્મ બે થી વધુ સંતાન હોવા બદલ રદ્દ થયું હતું. જયારે વોર્ડ નં. ૧૦ માં કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારની સહી ખોટી હોવાથી તેનું ફોર્મ પણ રદ્દ થયેલ. આમ ગઇકાલની સ્થિતી મુજબ ભાજપ પ૯ કોંગ્રેસ પ૮ અને એનસીપી રપ બેઠક ઉપર ચૂંટણી રહેલ.

આજે ઉમેદવારીપત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા આજે સવારે વોર્ડ નં. ૩ ના કોંગ્રેસના ઉમેદવારો હસીનાબેન પઠાણ, મનાજબેન બ્લોચ, અસલમભાઇ કુરેશી અને અકરમભાઇ કુરેશીએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા વોર્ડ નં. ૩ના ભાજપના ઉમેદવારો શરીફાબેન વહાબભાઇ કુરેશી, અબ્બાસ ઇબ્રાહીમભાઇ કુરેશી અને નીશાબેન ધીરેનભાઇ કારીયા બિન હરીફ વિજેતા જાહેર થયા છે.

આ વોર્ડના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયેલ અને હવે કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા વોર્ડ નં. ૩ ઉપર ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પહેલા જ કબ્જો જમાવી દીધો છે.

(1:53 pm IST)