સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th July 2019

રાજકોટ વેટતંત્ર દ્વારા મોરબી, રાજકોટ અને ગાંધીધામમાં દરોડા દોર : ૩ પેઢી પાસેથી ૧ કરોડ ૧૦ લાખની વસૂલાત

૩ થી ૪ પેઢીમાં હજુ તપાસ ચાલુ : પેઢીઓ દ્વારા ખોટી વેરાશાખા અને બોગસ બીલીંગ કર્યાનું બહાર આવ્‍યુ : જોઈન્‍ટ કમિશ્નર ત્રિવેદીનું ઓપરેશન

રાજકોટ, તા. ૯ : રાજકોટ જીએસટી ડિપાર્ટમેન્‍ટે રાજકોટ, મોરબી અને ગાંધીધામમાં દરોડા પાડી એક કરોડ ૧૦ લાખ રૂપિયાની સ્‍થળ પર વેરા વસૂલાત કરી લીધાનું જાણવા મળે છે.

રાજકોટ વેટતંત્રના જોઈન્‍ટ કમિશ્નર શ્રી ત્રિવેદીની સીધી સુચના બાદ રાજકોટ, મોરબી અને સુરેન્‍દ્રનગરના સીરામીક, મેટલ, સરફેઝ અને નોન સરફેઝ અનેક પ્રકારની પેઢીઓ ઉપર ગત શુક્રવારથી દરોડાનો દોર શરૂ કરાયો હતો.

સતત બે દિવસની જીણવટભરી તપાસ બાદ ૩ થી ૪ પેઢી પાસેથી એક કરોડ ૧૦ લાખ રૂપિયાની ટેક્ષ ચોરી પકડાતા સ્‍થળ ઉપર જ વસૂલાત કરી લેવાઈ હતી. આ પેઢીઓ દ્વારા ખોટી વેરા શાખ અને બોગસ બીલીંગ આચરાયાનું બહાર આવ્‍યુ હતું. ૩ જેટલી પેઢી ઉપર હજુ તપાસ ચાલુ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

(4:18 pm IST)