સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

ભાવનગર જિલ્લાના ­­­­­­બગડ નદીમાં એકઠુ થતુ વરસાદી પાણી રોકવા માટે જે કામ સરકારે ન કર્યુ તે તળાજા મહુવાના ૧૫ ગામના ખેડુતોએ લોક ફાળાથી કર્યુઃ એક કીમી લાંબો બંધારો બાંધ્યો

ભાવનગર જિલ્લાના બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણીને રોકવા માટે ઊંચા કોટડાનાં દરિયા વચ્ચે એક મેથળા બંધારો બાંધવાની યોજના સરકારમાં છેલ્લા 35 વર્ષથી આમ તેમ ફંગોળાતી હતી ત્યારે તળાજા અને મહુવાનાં 15 ગામના ખેડૂતોએ લોક ફાળાથી હાથોહાથ કામે લાગી દરિયામાં 1 કિલોમીટર લાંબો મેથળા બંધારાનું કામ શરૂ કર્યું હતું જે આજે પૂર્ણ થતા ગામનાં લોકોએ બંધારાની નજીકમાં લાપસીના આંધણ મૂકી દરરોજની જેમ પ્રસાદનું આયોજન કર્યું હતું.

ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. જ્યારે બીજી બાજુ ભાવનગરને મળેલા 125 કિલોમીટર લાંબા દરિયા કિનારાને કારણે કાંઠાનાં વિસ્તારોમાં ખારા પાણીની સમસ્યાના કારણે ખેતી અને જનજીવનની માઠી અસર થઇ રહી છે.

તળાજા અને મહુવા તાલુકાના 35 જેટલા ગામો કે જે દરિયા કાંઠે આવેલ છે જ્યાં મીઠા પાણીને રોકવા માટે મેથળા બંધારા માટે આ ગામનાં લોકો છેલ્લા 35 વર્ષથી સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ સરકારના બહેરા કાને આ વાત ન સંભળાતા આ ગામનાં ખેડૂતોએ 6 એપ્રિલ 2018 નાં રોજ 10 હજાર જેટલા લોકો એકઠા થઈને દરિયાની વચ્ચે એક કિલોમીટર લાંબો મેથળા બંધારાનું માટી કામ હાથ ધર્યુ હતું જે આજે પૂર્ણ થયું છે, જો કે હવે પાકા પાળાના કામની જવાબદારી સરકારના માથે છે અને તે હવે આ ક્યાંરે થશે તે સમિતિનો પ્રશ્ન છે.

મેથળા બંધારા વિકાસ સમિતિના આગેવાન પ્રતાપભાઇ ગોહિલે જણાવ્યું કે ભાવનગર જિલ્લામાં મેથળા બંધારો બાંધવાના કામમાં લોકોએ ફાળા ઉધરાવી કામ શરૂ કર્યું છે. આ કારણે 11 ગામોને સીધો ફાયદો થશે અને આ એક મોટા ડેમ જેવું કામ કરશે. અહિંયા 655 MCFC પાણીનો સંગ્રહ થશ. આ વિસ્તારમાં 1575 હેક્ટર જમીનમાં પાણી ભરાશે જે મીઠું પાણી હશે. સતત 40 દિવસ સુધી દરરોજ 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા માટી ઠાલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી મેથળા બંધારાનું ખેડૂતોનું સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે.

(11:37 pm IST)