સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

ભદ્રેશ ટ્રેડિંગ પ્રકરણમાં કચ્છના અગ્રણીઓ સામે આક્ષેપ : ૨૫ હજાર કરોડના કૌભાંડમાં સીઆઇડી તપાસની માંગણી

ભુજ તા. ૯ : ભદ્રેશ મહેતાની સ્થાનિક કચ્છના કેટલાક માથાઓની સંડોવણી હોવાના આક્ષેપ સાથે કચ્છની સંસ્થાએ રાજયના CID ક્રાઇમના વડાને ૨૩૬ પાનાના દસ્તાવેજી પુરાવા સાથે લેખિત અરજી કરી છે ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્સન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલના હેનરી જેમ્સ ચાકોએ આપેલી આ અરજીમાં ૧૨ જેટલી બેન્કોમાંથી ૨૫ હજાર કરોડ જેટલી બોગસ દસ્તાવેજોના આધારે લોન લેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે તે ઉપરાંત આ લોન કૌભાંડમાં મહેસુલ વિભાગના કર્મચારીઓથી માંડીને બેન્કના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની દહેશત વ્યકિત કરાઈ છે ભદ્રેશ મહેતાની ધરપકડ બાદ પ્રકાશમાં આવેલા આ પ્રકરણમાં કચ્છના સ્થાનિક રાજકીય અગ્રણીની પણ મહત્વની ભૂમિકા હોવાના આક્ષેપ સાથે તેને સંલગ્ન દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા છે અને એવો પણ આરોપ કરાયો છે કે ભદ્રેશ મહેતાના નામના ડુપ્લીકેટ સ્ટેમ્પ પણ ઉપયોગમાં લેવાયા છે તો અમુક કિસ્સામાં મૃતક વ્યકિતના નામે પણ લોન લેવાઈ છે તે ઉપરાંત કૃષિ અને જમીન પર લેવાયેલા ધિરાણમાં જમીનની વેલ્યુ કરતા વધુ લોન લેવાઈ છે અને લોન લેનાર દરેક વ્યકિતના ગેરેન્ટર તરીકે ભદ્રેશ મહેતાના સહી સિક્કા કરાયા છે.

કચ્છ સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા આ કૌભાંડને સંલગ્ન પુરાવા સાથે થયેલી અરજીમાં તલસ્પર્શી તપાસ કરવાની માંગ સાથે જરૂર પડ્યે સંસ્થા પણ આ પ્રકરણમાં ફરિયાદી બનીને ફોજદારી કરવા તૈયાર હોવાનું જણાવીને પોલીસ તપાસમાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે. સંસ્થાના પ્રિન્સિપલ સેક્રેટરી હેનરી જેમ્સ ચાકોએ જણાવ્યું હતું કે રાજયની ક્રાઇમ બ્રાન્ચ સિવાય અમે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ લેખિત પુરાવા સાથે કચ્છમાં આચરાયેલા કૌભાંડની રજુઆત પણ કરીશું

ભદ્રેશ મહેતા તેમના પત્ની અને પુત્રની સાથે કચ્છના રાજકીય અગ્રણી અને તેના પરિવાર સહિત અન્ય ૫ લોકોના નામ સાથે અપાયેલી અરજીએ કચ્છમાં ખળભળાટ સજર્યો છે હવે જોવું એ રહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ આ અરજીને કેટલી ગંભીરતાથી લે છે અને શું કાર્યવાહી કરે છે?

(11:35 am IST)