સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા જીવનરક્ષા અભિયાન શરૂ : વિવિધ વિસ્તારોમાં રેપીડ કોરોના ટેસ્ટનો સેવાયજ્ઞ: પ્રથમ દિવસે 72 લોકોના રેપીડ ટેસ્ટ કરાતા તમામ લોકોના નેગેટિવ રિપોર્ટ

મોરબી : સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી કોરોના મહામારીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી અનેક લોકોની અમૂલ્ય જિંદગી બચાવનાર યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા હવે જીવનરક્ષા અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત મોરબીના વિવિધ વિસ્તારમાં વિનામૂલ્યે લોકોના કોરોના રેપીડ ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે જેમાં ગઈકાલે અભિયાનની શરૂઆતમાં 72 લોકોના ટેસ્ટ કરાતા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર સ્થિત આદર્શ નિવાસી શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી આ સેવાયજ્ઞને અવિરત ચાલુ રાખી માનવતાની જ્યોત જલાવી મોરબી અને બહારગામના અનેક દર્દીઓની અમૂલ્ય જિંદગી બચાવી ગઈકાલથી વધુ એક સેવા રૂપે જીવનરક્ષા અભિયાન શરૂ કરવામા આવેલ છે.
જીવનરક્ષા અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં અનુભવી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વાર કોરોના રેપીડ ટેસ્ટિંગ તેમજ જરૂરી દવા વિતરણ કેમ્પ યોજવાનું શરૂ કર્યું છે.
જીવનરક્ષા અભિયાનના પ્રારંભે મોરબીના રબારીવાસ, વણકરવાસ, વાલ્મિકી વાસમાં રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં ૭૨ જેટલા લોકોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતા એકપણ પોઝિટિવ કેસ આવેલ નથી અને આ સાથે લોકોને ઇમ્યુનિટી વધે તેવી જરૂરી દવાઓ પણ આપવામાં આવેલ હતી.

(12:28 pm IST)