સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

પાંચ વૃક્ષ વાવો અને ઓક્સિજન કિટ લઇ જાઓ : મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ

મોરબી : વૃક્ષોની મહત્તા અંગે જાગૃતિ ફેલાય તેવા શુભ હેતુથી મોરબી સિરામીક ટ્રેડીંગ મિત્ર મંડળ દ્વારા કોરોનાકાળમાં જીવનરક્ષક રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેઓની રોપા આપવાની પદ્ધતિ બિલકુલ અનોખી છે. કોરોનાના કપરાકાળમાં દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર તેમજ કિટની જરૂરિયાત હોય તો સામાન્ય 2000 રૂપિયા ડિપોઝીટ ભરીને કોઇને પણ આપવામાં આવે છે અને કિટ પરત આપવા આવે ત્યારે ડિપોઝીટની રકમની સાથોસાથ વ્યક્તિને પ્રાણવાયુનું મૂલ્ય સમજાવવા માટે નિઃશુલ્ક પાંચ રોપા આપવામાં આવે છે અને તેના ઉછેરની જવાબદારી અંગેનું ભાન કરાવી તેઓની પાસેની સંકલ્પ પણ લેવડાવાય છે.

આમ, મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા બારમાસી, કરેણ, લીમડો, પીપળો, તુલસી તેમજ બાગાયતી છોડ જામફળ, દાડમ, સહિત અન્ય રોપાઓનું વિતરણ કરી વૃક્ષોનું જતન કરવાનો અનોખો સંદેશો પાઠવે છે. આ ભગીરથ સેવાકાર્યમાં જય પટેલ, જયદીપ પટેલ, અભિષેક મેઘાણી તથા કવિન શાહ સહિતના મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળના સભ્યો આ કામગીરી કરી રહ્યા છે.

(12:50 am IST)