સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

કાલે સાંજે દ્વારકા તાલુકામાં વેપારીઓનું સ્વૈચ્છીક લોકડાઉનઃ લાલપુરમાં રવિ-સોમ અને બાંટવામાં ૩૦મી સુધી આંશિક લોકડાઉન

કોરોના કેસ વધતા જુદા-જુદા વેપારીઓ દ્વારા નિર્ણય

રાજકોટ તા. ૯: કોરોના કેસ વધતા સર્વત્ર ભયનો માહોલ છે ત્યારે કાલે સાંજે દ્વારકા તાલુકામાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

જયારે લાલપુરમાં રવિવાર અને સોમવાર અને બાંટવામાં ૩૦ મી સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

ઓખા

(ભરત બારાઇ દ્વારા) ઓખાઃ કોરોના મહામારીને કારણે ધ્યાનમાં લઇ દ્વારકા તાલુકાના વેપારીઓનું આવતીકાલ તા. ૧૦ થી ૧૬ સુધી સાંજે ૬-૦૦ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન દ્વારકા પ્રાંત અને પોલીસ અધિકારી સાથે દ્વારકા, સૂરજ કરાડી અને ઓખાનાં વેપારીઓની મીટીંગ બાદ ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

લાલપુર

(સનત પટેલ દ્વારા) લાલપુરઃ લાલપુર ગામના તમામ એસોસિયેશન સાથેની મીટીંગ રાખતા લાલપુરમાં કોરોનાના કેશ વધતા તેમનું સંક્રમણ અટકવા એપ્રિલ મહિનામાં તમામ રવિવાર-સોમવાર તમામ વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન નકકી કરેલ છે. લાલપુર ગામની પ્રજાએ સહકાર આપવા વિનંતી છે. બંધ રાખવાની તારીખઃ રવિવાર-તારીખ ૧૧/૦૪/ર૦ર૧ સોમવાર તારીખ ૧ર/૦૪/ર૦ર૧ રવિવાર-તારીખ ૧૮/૦૪/ર૦ર૧ સોમવાર તારીખઃ ૧૯/૦૪/ર૦ર૧ રવિવાર તારીખ રપ/૦૪/ર૦ર૧ સોમવાર તારીખ ર૬/૦૪/ર૦ર૧ છે તેમ સમીરભાઇ ભેંસદડીયા સરપંચ લાલપુર ગ્રામ પંચાયએ જણાવ્યું છે.

બાંટવા

જુનાગઢઃ બાંટવા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને બાંટવા જવાહર રોડ પર આવેલ બગીચામાં દેશ દુનિયામાં વધતા કોરોના કેસના લીધે સાવચેતીના પગલાં રૂપે સોશીયલ ડિસ્ટન્સ અને કોવિડની ૧૯ની ગાઇડલાઇન મુજબ એક મિટિંગ રાખવામાં આવેલ આ મિટિંગમાં બાંટવા સરકારી દવાખાનાનો સ્ટાફ પોલીસ સ્ટાફ. તમામ એસોસિએશનના પ્રમુખે-તમામ નાના મોટા વેપારી-આગેવાનો-નગરપાલિકાના તમામ સાથી સદસ્યો શહેર ભા.જ.પ. પ્રમુખ અને મહામંત્રી બધા હાજર રહેલ.

તમામ વેપારી મિત્રો-આગેવાનો-બુદ્ધિજીવીઓના અભિપ્રાય અને સલાહ સુચન તેમજ હોસ્પિટલના સ્ટાફની સલાહ લઇને આગામી શું પગલાં લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવેલ અને આ મિટિંગમાં સર્વસંમતિથી તારીખ ૧૦/૪/ર૦ર૧ને શનિવારથી લઇને તારીખ ૩૦/૪/ર૦ર૧ને શુક્રવાર સુધી બાંટવાના તમામ ધંધા રોજગાર સવારે ૮-૦૦ કલાકથી લઇને સાંજે પ-૩૦ કલાક સુધી ખુલ્લા રાખવાનો તેમજ રવિવારે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હોવાનું જેની નોંધ લેવા પ્રમુખ દ્વારા જણાવાયું છે.

(3:58 pm IST)