સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

મોરબીમાં કોરોના આડો ફાડ્યો : ભાજપ કાર્યાલયે લોકોના ટેસ્ટ કરાતા પ૦ ટકા પોઝિટીવ

સવારથી અત્યાર સુધીમાં ૧પ૦ લોકોને ટોકન અપાયા : ૧૦૦ થી વધુ લોકો હજુ કતારમાં

મોરબી, તા. ૯ : મોરબીના જિલ્લા આરોગ્ય અધિકારી કતીરાએ કોરોનાના આંકડા અત્યાર સુધી છુપાવ્યે રાખતા કોરોના હવે આડો ફાટ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે આજે ભાજપ કાર્યાલયે સવારથી હાથ ધરાયેલા કોરોના ટેસ્ટમાં અડધો અડધ લોકો કોરોના પોઝિટિવ આવતા સંક્રમણ બેકાબુ બન્યાનું સ્પષ્ટ બન્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારીના પાપે મોરબી કોરોના ખપ્પરમાં હોમાયું હોય તેવી સ્થિતિ વચ્ચે હાલની પરિસ્થિતિ અત્યન્ત ભયાવહ બની હોવાના ચોંકાવનારી હકીકત આજે ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવેલ કોરોના ટેસ્ટમાં બહાર આવ્યા છે.

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા આજે સવારથી નવા બસ સ્ટેન્ડ સામે લોકોને વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવતા સવારથી અત્યાર ૧૦ વાગ્યા સુધીમાં ૧૫૦ લોકોને ટોકન આપી ૭૦ લોકોના ટેસ્ટ પુરા કરાતા અડધો અડધ પોઝિટિવ આવતા મોરબીની ભયાનક સ્થિતિ હોવાનું પુરવાર થયું છે.હજુ પણ અહીં ૧૦૦ લોકો કતારમાં ઉભા છે.

નોંધનીય છે કે જિલ્લા આરોગ્ય અધિકારી કતીરાએ અત્યાર સુધી પાપ છુપાવી લોકોને અને સરકારને ગુમરાહ કરી રોજ ૩૦ કે ૩૨ કેસ પોઝીટિવ આવતા હોવાનું દર્શાવ્યું છે અને કલેકટર તંત્ર અને સિવિલ હોસ્પિટલે પણ આ ભયાનકતાને છુપાવી પાપના ભાગીદાર થયા છે અને ભોગવવાનો વારો મોરબીની પ્રજાને આવ્યો છે, આ સંજોગોમાં આ પાપ કરનાર કોઈને ઈશ્વર નહિ છોડે તેવું લોકો આક્રોશભેર જણાવી રહ્યા છે.

(12:53 pm IST)