સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

ધોરાજીમાં દર્દીને ઓકિસજન લેવલ ઘટે તો રાજકોટ રીફર કરાય છે ..?

સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો નથી : ૫૦ થી વધુ દર્દીઓ દાખલ છે ત્યારે ફુલટાઇમ એમ.ડી.ડોકટરની આવશ્યકતા : બે ખાનગી હોસ્પિટલ પણ હાઉસ ફુલ : એક જ દિવસમાં ૬૫ કેસ વધુ આવ્યા કુલ આંકડો ૨,૬૦૦ ઉપરઃ તાત્કાલિક અસરથી બીજી ખાનગી તેલી હોસ્પિટલ ચાલુ કરવામાં આવતા પ્રથમ દિવસે ફુલ થઇ ગઇ : સાચી માહિતી આપવા પર પ્રતિબંધ : કોરોના પોઝીટીવ દર્દીઓના સેમ્પલ લેવાનું બંધ કર્યું ?

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૯:  ધોરાજીમાં કોરોનાનો કાળો કેર સર્જી દીધો છે તંત્ર તમાશો જોઈ રહ્યો છે અને પ્રજાને સાચી માહિતી આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

હાલમાં સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવે છે પરંતુ ઓકિસજન લેવલ ઘટે તો તાત્કાલિક અસરથી તેઓને રાજકોટ રીફર કરવામાં આવે છે જે બાબતે દર્દીઓમાં પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે ઘર આંગણે આવડી મોટી હોસ્પિટલ હોવા છતાં તેમજ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાંય સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર તો શરૂ કરવામાં આવ્યું પરંતુ દર્દીઓને માત્ર ઓકિસજન પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ ફુલટાઈમ નિષ્ણાંત ડોકટર નથી માત્ર ભગવાન ભરોસા ઉપર ચાલતી હોસ્પિટલમાં દર્દીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. થોડુ ઓકિસજનનું લેવલ ઘટે તો સીધા જ રીફર કરવામાં આવે છે શા માટે...? ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી વેન્ટિલેટર ની સુવિધા પણ ઉપલબ્ધ કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી ફુલટાઈમ એમડી ડોકટરની નિમણૂક કરવી જોઈએ તો જ ધોરાજીમાં ખરા અર્થમાં સરકારની કામગીરી દેખાશે.

ઓકિસજનની ખામીવાળા કરોના પોઝિટિવ દર્દીઓ જેને ઈમરજન્સી વોર્ડમાં ૫૦ બેડમાં ફૂલ થઇ ગયા છે જયારે ધોરાજીના સ્ટેશન રોડ ઉપર ખાનગી હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયા છે તાત્કાલિક અસરથી ધોરાજીના જુનાગઢ રોડ પર ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે ત્યાં પણ એક જ દિવસમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે.

ધોરાજી જેતપુર ઉપલેટા જામકંડોરણા તાલુકા વચ્ચે કોવિડ સેન્ટર માત્ર ધોરાજીમાં જ છે ત્યારે ધોરાજીએ કોરોના નો વિસ્ફોટ સર્જી દીધો છે અને તંત્રએ માત્ર સરકારના ચોપડે સારી કામગીરી બતાવવા ખાતર કામગીરી કરી રહી છે વાસ્તવિક ધોરાજી શહેરમાં કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક જ દિવસમાં ૬૫ કેસ પોઝિટિવ આવ્યા છે દ્યેર દ્યેર કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે કોઈપણ પ્રકારની સરકારી સિસ્ટમ ચાલતી નથી માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સેમ્પલ લેવાનો બંધ કરી દીધું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે

ધોરાજીમાં કોરોના ની પ્રથમ લહેર હતી ત્યારે પણ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજીમાં જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેર એનાથી પણ ભયાનક આવી છે રોજના સૌથી વધારે કેસ પોઝિટિવ જોવા મળી રહ્યા છે.

હાલમાં ધોરાજી શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને સંક્રમિત દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ખાનગી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે દરરોજના શો કેસ થી વધારે કેસ થતા હોય તેવો આંકડો જાહેર થયો છે પરંતુ આંકડો વધારે જોવા ન મળે તે બાબતે સેમ્પલ લેવાનું ઓછું કરી નાખ્યું છે માત્ર જરૂરિયાત પ્રમાણે સેમ્પલ લેવા તેવી પણ શહેરમાં ચર્ચા ચાલી રહી છે આ બાબતે ધોરાજીના સરકારી અધિકારીઓ અને ડોકટરોને પૂછતા તેઓએ જણાવેલ કે અમોને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માહિતી આપવાની ના પાડી છે.

આ પ્રકારે સરકારી તંત્રએ ધોરાજી ભગવાન ભરોસા ઉપર છોડી દીધું છે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આપવાનું બંધ કર્યો છે અને ખાનગીમાં સેમ્પલ લેવાનો પણ બંધ કરી દીધું છે સરકારી હોસ્પિટલમાં એક માત્ર ટીમ કામ કરી રહી છે ત્યાં પણ બબ્બે કલાકે વારો આવે છે અને ધમધમતા તડકા વચ્ચે ઊભું રહેવું પડે છે અને એ આંકડો પણ જાહેર કરવામાં આવતો નથી.

તેમજ જયાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમના નિવાસસ્થાન પાસે કોઈ જાતની ચેતવણી નથી કે પોલીસને વ્યવસ્થા નથી કે નગરપાલિકા દ્વારા સેનેટાઇઝર ની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેથી કરીને કોરોનાનું સંક્રમણ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં વ્યાપી ગયું છે.

તેમજ જેમના ઘરે કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેવો પણ જાહેરમાં બેફામ ફરી રહ્યા છે શહેરમાં આ બાબત ધોરાજી શહેર માટે ચિંતાનો વિષય છે અને સરકારી તંત્ર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવું પણ જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

હાલમાં ધોરાજી સરકારી તંત્રએ માત્ર માસ્ક નહીં પહેરનારને હજાર રૂપિયા દંડ વસુલ કરવાનો આદેશ કર્યો છે પરંતુ માસ્ક નહીં પહેરનારને પકડવાથી કરોના મટવાનો નથી....?

સરકારી તંત્રે માત્ર ગરીબ લોકોને રૂપિયા હજારના દંડ માં ટાર્ગેટ બનાવ્યા છે અને સારી કામગીરી બતાવી રહ્યા છે

હાલમાં ધોરાજીમાં ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ગરીબ લોકો પરેશાન છે આર્થિક પગભર ઊભા રહેવા માટે પણ તેમની કોઇ તાકાત નથી અને આત્મનિર્ભર બાબતની કોઈ સરકારી યોજનાનો લાભ ગરીબોને મળતો નથી હાલમાં અત્યારે આવા સમયમાં હજાર રૂપિયા દંડ તેમની પાસે કડક હાથે વસૂલ કરવામાં આવી રહ્યો છે એના બદલે તેમને માસ્ક વિતરણ કરવા જોઈએ અને જે વિસ્તારમાં કોરોના નો વધારે પડતો સંક્રમણ છે તે વિસ્તારમાં તાત્કાલીક અસરથી પગલા લેવા જોઈએ તો ધોરાજીમાં કોરોના કાબુમાં આવે પરંતુ અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડતા નથી અને કર્મચારીઓને આ પ્રકારનો દંડ વસૂલ કરવા બાબતે જાહેરમાં ફેરવી રહ્યા છે જેના કારણે ગરીબો વધારે પડતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

બીજી બાજુ પોલીસ પણ આકરા મોડમાં હોય તેવું જણાઈ રહ્યું છે દુકાનોમાં બેઠેલા વેપારીઓને ચા પાણી પીતા હોય ત્યારે પણ ફોટો પાડી લે છે અને હજાર રૂપિયા દંડ વસૂલ કરે છે.

હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૭૦ બેડની વ્યવસ્થા છે તેમાંથી ૫૦ બેડ ઉપર ભરાઈ ગયા છે ૨૦ બેડ ની જગ્યા ખાલી છે તેમાં ધોરાજી ઉપલેટા જામકંડોરણા જેતપુર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ ધોરાજી આવી રહ્યા છે જે ટૂંક સમયમાં ફૂલ થઈ જાય તેવી શકયતા જોવા મળી રહી છે.

જયારે ધોરાજીના સ્ટેશન રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલમાં તમામે તમામ બેડ ફુલ થઇ ગયા છે હાલમાં કેટલા દર્દીઓ ઉપલેટા થી તેમજ તાલુકા માં થી આવતા હતા તેઓને તાત્કાલીક અસરથી ના પાડવી પડી છે હાલમાં ધોરાજી ખાનગી હોસ્પિટલ પણ ફૂલ થઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી ત્રિજી હોસ્પિટલ ધોરાજી જૂનાગઢ રોડ ખાતે આવેલ તેલી હોસ્પિટલને પ્રથમ વખત મંજૂરી આપી બાદ ફાયર સેફટીના કારણે બંધ કરાવી હતી પરંતુ ફાયર સેફ્ટીના સાધનો ફીટ થઇ જતાં તાત્કાલિક અસરથી તેમને પણ મંજૂરી આપી દેવામાં આવતા પ્રથમ દિવસે જ તેલી હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે.

હાલમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ કોરોના ધોરાજીમાં જોવા મળી રહ્યા છે અને પ્રથમ લહેર માં જે પ્રકારે સરકારી તંત્રએ કામ કર્યું હતું એ પ્રકારે ફરીથી કામ કરશે તો જ ધોરાજીમાંકોરોના નું સંક્રમણ કાબુમાં આવશે નહીંતર હજુ પણ વ્યાપ વધી રહ્યો છે અને કોરોના સંક્રમિત લોકોના કારણે નિર્દોષ દ્યણા બધા લોકો દ્યણા બધા પરિવાર લોકો પરેશાન થઈ ગયા છે જેથી તાત્કાલિક અસરથી જાગૃતિ લાવવી જરૂરી છે.

ધોરાજીમાં પહેલી લહેર અને બીજી લહેરમાં કોરોના પોઝિટિવના કેટલા દર્દીઓ હતા અને કેટલાક દર્દીઓના મૃત્યુ થયા હાલમાં કેટલા દર્દીઓ પોઝિટિવ જ છે કેટલા હોમ હોમકોરોનટાઈન છે તે તમામ માહિતી અધિકારીઓ છુપાવી રહ્યા છે.

આ બાબતે ધોરાજીની જનતા સ્વયં જાગૃત બને અને કોરોના સંક્રમણ ઓછું થાય તે બાબતે સંપૂર્ણપણે સરકારે કેટલા સૂચનોનો સદુપયોગ કરે અને માંસ્ક અવશ્ય પહેરે અને બહાર નીકળવાનો બંધ કરે તો જ ધોરાજીમાંથી કોરોના સંક્રમણ ઘટશે.

હાલ ધોરાજીમાંથી હરિદ્વાર કુંભ મેળામાં તેમજ ધંધાર્થે ગુજરાત બહાર જતા વેપારીઓ તેમજ પરિવાર તેમના બીજા રાજયોમાં છે તેમને મળવા જવા માટે ધોરાજીમાંથી અનેક લોકો રાજય બહાર જઇ રહ્યા છે ત્યારે તેઓના કોરોના પોઝીટીવ છે કે નહીં તે બાબતનો સર્ટિફિકેટ લેવા માટે પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલમાં આ સુવિધા હતી પરંતુ તાત્કાલિક અસરથી કોઈપણ જાતની જાણ કર્યા વગર ધોરાજી સરકારી હોસ્પિટલ પ્રવાસીઓને કોરોનાનું સર્ટીફીકેટ અને નુ ટેસ્ટ કરવાનું તાત્કાલિક અસરથી બંધ કરી દેતા ધોરાજી વિસ્તારના તમામ લોકો પરેશાન થઇ ગયા છે અને હવે તેમને રાજકોટ ધક્કા ખાવા પડશે પછી જ તેમને કોરોનાનું સર્ટીફીકેટ મળશે પછી તેઓ પ્રવાસ કરી શકશે આ પ્રકારનો જો કોઈને અચાનક જવાનું થાય તો તેમને પણ મોટી મુશ્કેલી સર્જાય તેવી હાલત ધોરાજીની ઊભી થઈ છે તાત્કાલિક અસરથી ધોરાજીના ડેપ્યુટી કલેકટર સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવાનું શરૂ કરાવે તેવી ધોરાજીની જનતા વતી મયુરભાઈ માવાણીએ માંગણી કરી છે.

(12:54 pm IST)