સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

અમરેલી જીલ્લામાં વધુ ચાર મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક ૪૩

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૯: વેકસીનની કામગીરી વેગવંતી બનાવાઇ છે જિલ્લામાં ૬૭૯૧ લોકોને વેકસીનથી રક્ષીત કરાયા છે અને ગુરૂવારે અમરેલીમાં કોરોનાના ર૪ કેસ નોંધાયા છે તથા ૧૮ દર્દીઓ કોરોના મુકત થયા છે એ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૪૩૪૯ થઇ છે અને આજે સતાવાર રીતે લીલીયાના પ૮ વર્ષના દર્દીનું મોત થતા કુલ સતાવાર મરણાંક ૪૩ થયો છે. ગુરૂવારે કોરોનાની સારવાર લઇ રહેલા ૪ દર્દીઓના મોત થયા છે.

અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા બાબરાના ઘુઘરાળા ગામના ૭પ વર્ષના વૃધ્ધા, બગસરાના હામાપુરના ૭૦ વર્ષના વૃધ્ધ અને બગસરા તાલુકાના માવજીંજવા ગામના ૬૦ વર્ષના વૃધ્ધાના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ ઉપરાંત જેને કોરોના ન હોય તેવા ૯ મૃત્યુના બનાવ બુધ અને ગુરૂ બે દિવસ અમરેલી શહેરમાં બન્યા છે. બુધવારે અમરેલી શહેરમાં કોરોના ન હોય અને અન્ય બીમારી કે વૃધ્ધાવસ્થાથી મૃત્યુના ૬ બનાવ અને ગુરૂવારે આજે ત્રણ બનાવ બન્યા છે.

બીજી તરફ બગસરાના હામાપુરમાં સ્થિતિ વિકટ બની રહી હોય તેમ આજે હામાપુરના એક કોરોના પોઝીટીવ અને બીજા ત્રણ મળી એક જ દિવસમાં ચારના મોત થયા છે. જેમાં અમરેલીમાં મૃત્યુ પામેલ કોરોના પોઝીટીવ દર્દીના સગાભાઇ કે જે સુરત રહે છે તેમનું પણ મૃત્યુ નિપજયું છે અને મંગળવારે અહી પાંચ મૃત્યુના બનાવ બન્યા બાદ ગુરૂવારે વધુ ચાર બનાવ બનતા માત્ર ત્રણ દિવસમાં નવના મોતથી હામાપરમાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ આજે ગામમાં થયેલા રેપીડ કેમ્પમાં છ પોઝીટીવ દર્દી મળ્યા હોવાનું શ્રી ધીરૂભાઇ માયાણીએ જણાવ્યું છે તંત્ર દ્વારા હામાપુરમાં તમામ તકેદારીના પગલા લેવાઇ રહયા છે.

(12:39 pm IST)