સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા રસીકરણની કામગીરીમાં વેગ લાવીએ : કુંવરજીભાઇ બાવળીયા

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને કોરોનાની કામગીરી અર્થે સમીક્ષા બેઠક યોજાઇ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૯: કોરોના મહામારીના સમયમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરીની સાથે લોકોને સંક્રમણથી સુરક્ષિત કરવામાં આવતી રસીકરણની કામગીરીની સમીક્ષા અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં કોરોના મહામારીના એકિટવ કેસો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા કોવીડ ટેસ્ટિંગ, કોરોના સંક્રમિત દર્દીઓને કોરેન્ટાઇન કરવા, હોમ આઇસોલેશન તેમજ વેન્ટિલેટર અને જિલ્લાની હોસ્પિટલમાં કોવિડ બેડની ઉપલબ્ધતા સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ કોરોના રસીકરણની કામગીરીમાં વેગ લાવવાની સાથે ટેસ્ટિંગ વધારવા અને RT-PCR રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ થાય તેમજ ઇમર્જન્સીવાળા દર્દીઓને હોસ્પિટલમાં તુરંત દાખલ થાય તે બાબતની તકેદારી રાખવા જણાવ્યું હતુ.

મંત્રીશ્રીએ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સહીતના સંબંધિત અધિકારીઓ સાથે રાજય સરકાર દ્વારા લગાવામાં આવેલ કર્ફ્યુનું સુરેન્દ્રનગરમાં પણ ચુસ્તપણે પાલન થાય તે જોવા પણ જણાવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ તેમજ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણિ કુમારે જિલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને સંક્રમિત લોકો માટે જિલ્લા પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સાથે કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)