સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

વાંકાનેરમાં કોરાનાની બીજી લહેરમાં પોઝીટીવ દર્દીનો ઝડપભેર વધારો

ઓકસીઝન નહી મળતા દર્દીઓના મોતના સમાચારો સાંભળી ઉદ્યોગપતિઓએ ૪ ઓકસીઝન મશીનો હોસ્પીટલને આપ્યા

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેરમાં કોરાનાની બીજી લહેરમાં શહેર અને ગ્રામ્ય પંથકના ઘણા લોકોને ઝપટમાં લઇ લીધા છે જેમાં કોવીડ વિભાગના તાલુકા હેલ્થ ઓફીસર પણ બાકાત નથી કોરાના મહામારીની બીજી લહેરમાં વાંકાનેરમાં મૃત્યુદર પણ વધી ગયો છે. તાવ - શરદી-ઉધરસ-ઝાડાના દર્દીઓથી હોસ્પીટલો ઉભરાય રહી છે.

વાંકાનેરની સરકારી હોસ્પીટલના ડોકટરો અને સ્ટાફનાં ઘણા કર્મચારીઓ પણ આ બીમારીમાં સપડાયા છે. અને વર્તમાન સમયમાં અપુરતા સ્ટાફ વચ્ચે દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. ત્યારે તાકીદે ડોકટર અને નર્સીંગ સ્ટાફ વધારવા પ્રજામાંથી માંગ ઉઠી છે.

વાંકાનેર સરકારી હોસ્પીટલના કોરાના વોર્ડમાં જેટલા ઓકસીઝન સીલીન્ડરો છે તેનાથી વધુ દર્દીઓને જરૂરીયાત ઉભી થતા હોસ્પીટલ તંત્ર પણ લાચાર બની જાય છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓકસીઝન નહીં મળવાના પાપે અમુક દર્દીઓના મૃત્યુ થયાના સમાચારો સોશ્યલ મીડીયામાં વાંચવા મળતા પ્રજામાં ચીંતાની લાગણી પ્રસરી ગઇ હતી. આ વાત વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ અને વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તથા વાંકાનેર સરકારી હોસ્પીટલની રોગી કલ્યાણ સમિતિના મેમ્બર પ્રજ્ઞેશભાઇ પટેલનાં ધ્યાનમાં આવતા તેઓ તુરંત હોસ્પીટલે દોડી ગયા હતા અને વાસ્તવીકતા નજરે નિહાળી હોસ્પીટલ માટે વધુ ઓકસીઝન સીલીન્ડર કે ઓકસીઝન મશીન માટે પ્રયત્નો શરૂ કર્યા હતાં.

સ્થળ ઉપર થી જ ઉદ્યોગપતિ નોબલ રીફેકટ્રીઝ વાળા ઘનશ્યામભાઇ ઢોલરીયા,  રામકૃષ્ણ રીફેકટ્રીકના શૈલેષભાઇ અને  અન્ય ઇન્ટર નેશનલ સીરામીક વાળા અનિશભાઇને વાત કરતા ત્રણેય ઉદ્યોગપતિઓએ પ્રજ્ઞેશભાઇ પટેલની વાતને તુરંત સમર્થન આપેલ અને પ્રજ્ઞેશભાઇએ પોતાના તરફથી એક અને ઉપરોકત ત્રણેય ઉદ્યોગપતિ તરફથી એક - એક એમ કુલ મળી - ચાર ઓકસીઝન મશીનની તાત્કાલીક ખરીદી કરી વાંકાનેર  હોસ્પીટલને અર્પણ કરી લોકોની મહામૂલી જીંદગી બચાવવામાં સહભાગી બન્યા હતાં.

પ્રજ્ઞેશભાઇ પટેલે જણાવેલ કે આ ઓકસીઝન મશીન ૦ર (ઓ.ટુ) એક મશીન પાત્રીસ હજારથી વધુની કિંમતનું છે અને જેમાં પાણી નાખવાથી તુરંત ઓકસીઝન તૈયાર થાય છે અને તે બે હજાર કલાક કામમાં આવે છે ત્યારબાદ તેમાં કેન્ડલ બદલાવવા પડે છે. વાંકાનેરના સેવાભાઇ બાબુભાઇ લાખાણી અને હિતેષભાઇ હરમા દ્વારા પણ હોસ્પીટલને જરૂરી મેડીકલ સામગ્રી તાત્કાલીક આપવામાં આવી હતી.

વાંકાનેર હોસ્પીટલમાં સ્ટાફની ઘટ પણ તાકીદે પુરી કરવા ઉચ્ચકક્ષા રજૂઆત કરવામાં આવી છે.

(11:32 am IST)