સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જામનગર ખાતે શિશુના મોત બાદ વધુ બે કેસ સામે આવ્યા

રાજયમાં બાળકોમાં પણ કોરોનાનો કહેર વધ્યો : દાહોદમાં માત્ર ૯ વર્ષની બાળા કોરોના પોઝિટિવ : બોડેલી ખાતે માત્ર બે જ વર્ષની બાળકીને કોરોના વાયરસની અસર

અમદાવાદ,તા.૯ : રાજ્યમાં કોરોના વાઇરસના ૨૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે, કુલ ૧૭ લોકોનો કોરોનાએ જીવ લઇ લીધો છે, જેમાં જામનગરના માત્ર ૧૪ માસના બાળકનો પણ સમાવેશ થાય છે, કોરોનાગ્રસ્ત બાળકની હોસ્પિટલમાં સારવાર થઇ રહી હતી અને તેનું ૨ દિવસ પહેલા મોત થઇ ગયું છે, કોરોના વાઇરસ બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે, જેને લઇને હવે પરિસ્થિતિ બાળકોને લઇને પણ ચિંતાજનક બની રહી છે. આજે દાહોદમાં ૯ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ બની છે, જ્યારે બોડેલીમાં માત્ર ૨ વર્ષની બાળકીને કોરોનાનો ચેપ લાગ્યો છે, પરિવારજનોની બેદરકારીને કારણે બાળકોએ ભોગવવાનું થઇ રહ્યું છે. જો કે, તંત્ર પણ હવે બાળકોની ચિંતામાં લાગ્યુ છે. દિલ્હીના નિઝામુદ્દિન તબ્લિગી જમાતના મરકઝમાંથી પરત આવેલા કિફાયતલ્લાહ ખત્રી કોરોના પોઝિટિવ છે, તેમની હોસ્પિટલમાં સારવાર થઇ રહી હતી, હવે તેમની બે વર્ષની પૌત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

દાહોદનો ઇન્દોરમાં સ્થાયી થયેલો પરિવાર દાહોદ કોઇની દફનવિધીમાં આવ્યો હતો, હવે તેમના પરિવારની ૯ વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ બની છે. એક રીતે બધા જ કિસ્સામાં પરિવારના મોટા લોકોની બેદરકારીને કારણે બાળકો કોરોના પોઝિટિવ બન્યાં છે, જેથી હવે તંત્રઅપીલ કરી રહ્યું છે કે, જરૂર વગર તમે બહાર ન નીકળો, તમારા બાળકોને ઘરની અંદર રાખો, જો કોઇ ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ઘરે આવીને સેનેટાઇઝરનો ઉપયોગ કરો, ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થાય તો મોઢા પર માસ્કનો ઉપયોગ કરો અને લોકોની ભીડથી દૂર રહો. ખાસ કરીને બાળકોનું ખાસ ધ્યાન રાખવા અને કાળજી લેવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

(9:33 pm IST)