સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

પાટડી-ખારાઘોડાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ પાણી વિના ટળવળે છેઃ જમવાનું તો એક બાજુ રહ્યુ!

વઢવાણ, તા.૯: હાલમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનની સ્થિતિમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખાસ કરીને પાટડીના ખારાઘોડાના રણમાં મીઠુ પકવતાં અગરિયાઓની હાલત કફોડી બની છે. દરેક ગામોમાં સેવાભાવી લોકો ગરીબ અને મજુરોને જમવાનું, શાકભાજી, અનાજની કીટ વગેરે આપે છે પણ રણમાં પડયા રહેતા અગરિયાઓ સુધી હજુ કોઈની નજર પહોંચી નથી.

હાલ લોકડાઉન દરમિયાન અગરિયાઓને રણમાંથી પાટડી આવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે તેઓને શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જયારે બીજી બાજુ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં ખૂલ્લા આકાશ હેઠળ રહેતાં અગરિયાઓને કોરોેના વાયરસ તો નહીં મારે પણ કદાચ પાણી વગર મરે તેવી સ્થિતિ સર્જાઈ છે.

કેટલીક જગ્યાએ છેલ્લાં ૧પ દિવસથી પીવાનું પાણી નથી મળ્યું જયારે આ બાબતે પાણી પુરવઠાના ટેન્કર ચાલકને પુછતાં તેઓને ગત વર્ષમાં બે મહિનાનો પગાર મળ્યો નથી અને ચાલુ વર્ષમાં પણ ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી તેમ જણાવ્યું હતું. તેમજ કચેરીના અધિકારી અમદાવાદથી આવતા ૧ર વાગી જાય છે અને ત્યારબાદ માત્ર ૧-ર ફેરા થાય તેટલું જ ડીઝલ આપે છે. આથી દિવસ દરમિયાન માત્ર એક કે બે ફેરા જ થાય છે ત્યાં ડિઝલ પૂરુ થઈ જાય છે અને રજા દરમિયાન અધિકારી હાજર ન રહેતાં ડીઝલો વગર ટેન્કરો પડયા રહે છે આમ  અગરિયાઓ રણમાં પીવાના પાણી વગર ટળવળે છે.

જયારે એક તરફ સરકાર દ્વારા ઘરમાં રહી સોશ્યલ ડિસ્ટન્સ બનાવી રાખવાનું જણાવે છે ત્યારે અગરિયાઓ વર્ષોથી પોતાના ઝુંપડાઓ વચ્ચે અડધો કે એક કિલોમીટરનું અંતર રાખી સોશ્યલ ડિસટન્સ બનાવી જ રાખે છે અને ગામમાં રહેતા લોકોની ચિંતા કરતાં સરકારી તંત્રને અગરિયાઓ કેમ યાદ આવતાં નથી. અગરિયાઓ પાસે જમવાનું તો નથી પરંતુ હાલ પીવાનું પાણી પણ નથી માટે કોરોના વાયરસ રણમાં પહોંચે તે પહેલાં પાણી પુરુ પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.(

(1:10 pm IST)