સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જસદણના ડોડીયાળામાં મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે

 આટકોટ, તા. ૯ : જસદણ તાલુકાના જીવાપર આરોગ્ય કેન્દ્ર હેઠળના ડોડીયાળા ગામે ફરજ બજાવતા નર્સનો કોરોના રીપોર્ટ ગઇકાલે નેગેટીવ આવતા આ પંથકના લોકોમાં હાશકારો છવાઇ ગયો છે.

જસદણના જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોડીયાળા ગામે ફરજ બજાવતા નર્સને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા બે દિવસ પહેલા રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ત્યાર બાદ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને તકેદારીના પગલાના ભાગરૂપે નર્સ જયા રહેતા હતાં તેની આજુબાજુના દરેક ઘરોમાં ગઇકાલ સવારથી જ આરોગ્યની ટીમો દ્વારા સર્વે ચાલુ કરવામાં આવતા નાનકડા ગામમાં અને આ પંથકમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું અને દિવસ દરમિયાન આ પંથકમાં આ બનાવે ચર્ચા જગાવી હતી.

જો કે સાંજે આ નર્સનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ તેમજ આ પંથકના લોકોમાં હાશકારો છવાઇ ગયો હતો.

તંત્ર દ્વારા જીવાપર આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓનો પણ સર્વે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક તબ્બકે ડોડીયાળા ગામમાં જીવાપરના ડો. ઘોડાસરા અને આટકોટના પી.એસ.આઇ. મેતા પણ દોડી જઇ લોકોને સમજાવ્યા હતાં.

(11:49 am IST)