સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

વીરપુર (જલારામ) પંથકમાં ફુલોની ખેતી કરતા ખેડૂતોને રોજનું હજારોનું નુકસાન

થાકી ગયેલા ફુલો ઉતારવામાં ન આવે તો અરબો છોડ બળી જાય ફુલો ઉતારીને ફેંકી દેવા પડે છેઃ ફુલોની નિકાસ સંપૂર્ણ બંધ

વીરપુર (જલારામ) ,તા.૯:લોક ડાઉનની સ્થિતિમાં દેશભરમાં તમામ ધંધા ઉદ્યોગ બંધ છે, પરંતુ સરકારે ખેડૂતોના હિતનું વેચારીને ખેડૂતોને ખેતી કરવાની છૂટ આપેલ છે. જેમાં અલગ અલગ જણશીઓની ખેતી કરતા ખેડૂતોને ખેતરમાં પાકીને તૈયાર થઈને ઉભેલ પાક બગડી કે સડી ન જાય તે માટે બઝાર સુધી લઈ જવાની છૂટ આપેલ છે. પરંતુ વીરપુર પાસેના થોરાળા ડેમ ખાતેના મોટા ભાગના ખેડૂતો કે જેઓ ફૂલોની ખેતી કરે છે તેઓ પોતાના ખેતરમાં પણ જાય છે અને પાકી ગયેલ ફૂલોને પણ ઉતારે છે પરંતુ તેને બઝારમાં લઇ જવાને બદલે ખેતરમાં જ બનાવેલ ઉકરડામાં ફેકી દયે છે. ફૂલોની ખેતી કરતા ખેડૂત નિકેશભાઈ ડાભીએ કરતા જણાવેલ કે, યાત્રાધામ વીરપુર જલારામ કે જયાં દરરોજ હજારો યાત્રાળુઓ પૂજય બાપાના દર્શનાર્થે આવતા હતા. પરંતુ લોક ડાઉનની સ્થિતિમાં જલારામ મંદિર પણ દર્શનર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જેથી દરરોજ હજારો યાત્રાળુઓ પૂજય બાપાને હજારો કિલોના ફુલહાર તેમજ છૂટક ફૂલ ચડાવતા તે સંપૂર્ણ બંધ છે. ઉપરાંત સારા કે નરસા તમામ પ્રસંગો પર પણ પ્રતિબંધ છે. જેથી અમો દરરોજ ખેતરે જઈએ છીએ અને ત્યાં પાકી ગયેલ ફુલને ઉતારી લઈએ છીએ કેમ કે પાકી ગયેલ ફૂલ જો અમે ન ઉતારીએ તો આખો છોડ બળી જાય માટે ફૂલ તો અમારે ફરજીયાત ઉતારવા જ પડે. પરંતુ હાલના સમયમાં આ ફૂલ ભગવાનને ચડાવવાને બદલે ઉકરડામાં ફેંકી દેવા પડે છે.

થોરાળા ડેમ વિસ્તારના ફૂલોની ખેતી કરતા ખેડૂતો વીરપુર, જેતપુર, ગોંડલ અને રાજકોટ ફૂલોની નિકાસ કરતા હતા તે હાલ સંપૂર્ણ બંધ હોવાથી આવા ખેડૂતોને દરરોજ હજારો રૂપિયાનું નુકશાન જઇ રહ્યું છે જેથી સરકાર ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે પણ કંઈક વિચારીને કંઈક રાહત જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

(11:41 am IST)