સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

ગાંધીધામની હોસ્પિટલને રિઝર્વ રખાતાં કેન્સર અને કિડનીના ૨૦૦૦ દર્દીઓ ઉપર સંકટ

કલેકટર પાસે માર્ગદર્શન માંગી વચગાળાનો રસ્તો કાઢવા રજુઆત

ભુજ, તા. કચ્છ જિલ્લા કલેકટર દ્વારા ગાંધીધામની ૨૦૦ બેડની રામકૃષ્ણ સ્ટર્લિંગ હોસ્પિટલને કોરોનાની સારવારમાં ફેરવવા માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સંદર્ભે હોસ્પિટલની અન્ય તબીબી સેવાઓ બંધ કરવા વહીવટીતંત્રએ સૂચના આપતા તમામ તબીબી સેવાઓ બંધ થઈ ગઈ છે. સ્ટર્લિંગ હોસ્પિટલની સેવાઓ સંદર્ભે કોંગ્રેસના અગ્રણી જુમા રાયમાએ કલેકટરને પત્ર લખીને કોરોનાની સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સુવિધા કરવાનું અને રિઝર્વ રાખવાનું પગલું આવકારીને તેની પ્રસંશા કરી છે. પણ, તેની સાથે જુમા રાયમાએ અહીં નિયમિત સારવાર લેતા દર્દીઓ માટે શું વ્યવસ્થા કરવી તે અંગે માર્ગદર્શન માંગ્યું છે. શ્રી રાયમાના જણાવ્યા પ્રમાણે કચ્છમાં કેન્સરની કિમો થેરેપી અને રેડિયેશનની સારવાર એક માત્ર અહીં જ મળે છે. જયારે કિડનીના દર્દીઓ માટે પણ અદ્યતન ડાયાલીસીસ યુનિટ અને નેફ્રોલોજીસ્ટ તબીબની સુવિધા છે. ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ સંકળાયેલું છે, જે જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે સારવાર માટે મદદરૂપ બને છે. વળી, અહીં મા અમૃતમ યોજના પણ કાર્યરત છે. અહીં અત્યારે કેન્સરના ૬૦૦ દર્દીઓની કેમો થેરેપી, ૧૫૦ દર્દીઓની રેડિયેશન સારવાર ચાલી રહી છે,તેમ જ ૧૨૦૦ દર્દીઓનું નિયમિતઙ્ગ ડાયાલીસીસ કરાઈ રહ્યું છે. તંત્રના નિર્ણયના કારણે અત્યારે ૨૦૦૦ જેટલા આ દર્દીઓની સારવાર ઉપર સંકટ દ્યેરાયું છે ત્યારે આ દર્દીઓની નિયમિત સારવાર માટે શું કરવું જોઈએ તે માટે જુમા રાયમાએ કચ્છના જિલ્લા કલેકટર પ્રવીણ ડીકે ને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યું છે. કચ્છ સિવાય દર્દીઓએ કેન્સરની સારવાર માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડે જે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનો ડર અને વાહનવ્યવહારની બંધીને કારણે આર્થિક અને શારીરિક રીતે પણ દર્દીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જે તેવો ભય છે. જોકે, આજે આ અંગે રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કલેકટરને મળવાના છે.

(9:58 am IST)