સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને કચ્‍છ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરત સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જીજ્ઞા સોનીએ લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરીઃ 37 મકાનવિહોણા પરિવાર દીઠ રૂા.37000ની સહાય આપી

કચ્છ: અખિલ ભારતીય સોની સમાજના પ્રમુખ અને કચ્છ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોની અને નખત્રાણાના પૂર્વ સરપંચ જિજ્ઞા બેન સોનીએ પોતાના લગ્ન જીવનની 37 મી વર્ષગાંઠ અનોખી રીતે 37 પરિવારોને ઉપયોગી થવા પહેલી છે. લગ્ન વખતે તેમની પાસે પોતાનું ઘર પણ ન હતું. જે વેદનાને સમજી આ દંપતિએ રાહ ચિધનારી અનોખી પહેલી કરી છે. અગાઉ પણ પોતાની પુત્રીના લગ્ન વખતે લોકો રોજગારી મેળવી શકે એવા હેતુથી ગરીબ મજદૂરોને હાથ લારી આપી સેવાની સુવાસ પ્રસરાવી હતી.

જિજ્ઞા બેન અને ભરતભાઈના લગ્ન જીવનની આજે 37 મી વર્ષગાંઠે 37 મકાન વિહોણા પરિવારોને દરેકને 37000 રૂપિયા સહાય આપી યોગી નહીં તો ઉપયોગી થઈ મદદ કરવાનો નવતર પ્રયાસ કર્યો છે. તેમની આ પહેલ ઘણાને રાહ ચિધનારી બની શકે છે. નખત્રાણાના પૂર્વ સરપંચ રહેલા જિજ્ઞા બેન તેમજ તેમના પતિ ભરતભાઈ સોનીએ કાર્યકાળ દરમિયાન નખત્રાણામાં અનેક વિકાસના કામો કરી લોક ચાહના મેળવી છે અને બંને દંપતિ સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેમની આ પહેલથી જરૂર ઘર વિહોણા પરિવારોના પરોક્ષ રીતે આશીર્વાદ મળતા રહ્યા છે.

પોતાના જીવનમાં પત્નીનું શું મહત્વ છે તે સમજાવતા કહ્યું કે, દરેકના સફળ જીવનમાં એક સ્ત્રીનું મહત્વનું યોગદાન હોય છે. જેમાં માતા, દીકરી, બહેન કે પત્ની કોઈપણ સ્વરૂપ હોઈ શકે છે. મારા જીવનસાથીના આગમનથી અનેક સફળતા મળી છે અને મુશ્કેલીઓ પણ બંને સાથે રહીને પાર પાડી છે. તેમને જીનવમાં નારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમની આ પહેલ અનેકને રાહ ચિંધનારી બની છે.

(5:22 pm IST)