સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

મોરબી હત્યા પ્રકરણમાં પત્નિ સહિતના ચાર ઇસમો જેલ હવાલે

હત્યા બાદ ખાડો કરવા વપરાયેલ સાધનો કબજે લેવાયા

મોરબી, તા.૯: મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક વ્યકિતને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને ખાડો કરીને દાટી દીધેલ મૃતક યુવાન કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષ અગેચણીયા હોવાનું ખુલ્યું હતું અને મૃતક યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અગેચણીયા અને તેના પ્રેમી જુમા સાજણ માજોઠીએ મોતને ઘાટ ઉતારી ખાડો કરીને દાટી દીધાનું ખુલ્યું હતું પત્ની યાસ્મીન ઉર્ફે આરતીએ જુમાં માજોઠી સાથે દ્યર માંડી રહેતી હોય જે પતિને ગમતું ના હોય જેથી પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો જે બનાવ અંગે મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી હતી.

પી.આઈ આઈ એમ કોઢિયાની ટીમે હત્યાની તપાસ ચલાવી હતી જે હત્યામાં બેથી વધુ શખ્શોની સંડોવણી હોવાની થીયરી સાથે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી જુમા માજોઠી અને શાહરૂખ મેહબૂબ મેમણ એમ બે ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા બાદમાં હત્યારી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેશ અગેચણીયા અને શોયેબ ઈબ્રાહીમ માજોઠી રહે બંને કાંતિનગર વાળાને ઝડપી લઈને સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે ચારેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.

આરોપીઓએ યુવાનની હત્યા કર્યા બાદ ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો હોય જેથી પોલીસે રિમાન્ડ દરમિયાન ત્રિકમ, પાવડો તેમજ રસ્સી સહિતના સાધનો કબજે લીધા છે અને આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

રંગપર નજીક છાતીમાં દુખાવો થતા પડી ગયેલ યુવાનનું મોત

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના રંગપર નજીક ઓરાઝોન પેપરમિલમાં કામ કરતા રાજકરણ દુર્ગાપ્રસાદ (ઉ.વ.૨૮) નામના યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા અચાનક પડી જતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયા હોય જયાં યુવાનનું મોત થયુ હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)