દરેડમાં બનેવીના ભાણેજની હેરાનગતિથી કંટાળી જઇ સળગી ગયેલી સોનલનું મોત
૧૭ વર્ષિય સોનલ બહેન-બનેવી અને વિધવા માતા સાથે રહેતી'તીઃ રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૯: જામનગરના દરેડ ગામે એફસીઆઇ ગોડાઉન સામે નદી કાંઠે રહેતી સોનલ ચંદુભાઇ પરમાર (ઉ.વ.૧૭)એ તા.૧/૩ના રવિવારે સાંજે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેનું આજે સવારે મોત નિપજ્યું છે.
સોનલ બે બહેનમાં નાની હતી. તેના પિતા હયાત નથી. તે અને માતા લાભુબેન બનેવી લખધીરભાઇ ભાયાભાઇ ચારણ સાથે રહેતાં હતાં. લખધીરભાઇએ જણાવ્યું હતું કે સાળી અને સાસુ મારી સાથે જ રહે છે. મારો ભાણેજ રવજી પણ દરેડ ગામે જ રહે છે. તે મારી સાળી સોનલની પાછળ પડી ગયો હતો. અવાર નવાર તેને હેરાન કરતો હતો. નશો કરીને ઘરે આવી ધરાર પોતાની સાથે બોલવાનું કહીને પરેશાન કરતો હતો. આ બાબતે અગાઉ મેં સાળાને સમજાવ્યો હતો અને ઠપકો પણ આપ્યો હતો. ફરીથી તેણે આવું કરતાં સાળીએ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરી હતી.