સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

ઓખામાં નારીશકિત મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

મીઠાપુરઃ ઓખાની નવી નગરીમાં આવેલી રાજપૂત સમાજની વાડીમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ કે તેથી વધુ વર્ષોથી સાથે રહેતા સાસુ અને વહુના જોડાના કુટુંબનું સન્માન કરી ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન વરણાગર, સદસ્ય મહિલા અને બાળમિત્ર ગુજરાત રાજય શ્રીમતી ફાલ્ગુનીબેન વ્યાસ, બેસ્ટ મોટીવેશન સ્પીકર એન્ડ સ્પોટ્ર્સ ગોલ્ડ મેડાલીસ્ટ શ્રીમતી નીરુબા માણેક, ખંભાળિયા ક્રિષ્ના હોસ્પિટલના ડો. ભરતભાઇ વાનરિયા, ઓખા કોસ્ટગાર્ડના અધિકારી ત્યાગી તથા કમાન્ડો, જશુભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હેમાબેન પુરોહિત, અવનીબેન રાઇમંગીયા, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજની નારી શું શું કરી શકે છે તથા હજી મહિલાઓ કોઇપણ રીતે પોતાને કમજોર ના સમજી પોરની નારીશકિતને સમજીને તેનો પૂરેપૂરો ઉપયોગ કઇ રીતે કરી શકે તે વિષે વિસ્તૃત સમજાવવામાં આવ્યું હતું. સફળ બનાવવા નારીશકિત મહિલા મંડળના પ્રમુખ શ્રી ઉષાબેન તથા પુજાબેન દવે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:28 am IST)