સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

પોરબંદરના નવા કુંભારવાડા અને ભોજેશ્વર પ્લોટમાં પાણી વિતરણ ઠપ્પઃ પાઇપ લાઇન રીપેરીંગના બહાના

પોરબંદર, તા., ૯: નવા કુંભારવાડા વિસ્તારમાં શેરી નં. ૮ મ્યુ. વો. નં. ૮ માં આશરે ર વર્ષથી નગરસેવા સદન દ્વારા કોઇ પાણીનું વિતરણ કરવામાં આવતું નથી અને આ વિસ્તારની અંદર પાણી લાઇન બંને સાઇડમાં આવેલી હોવા છતાં અણઆવડતના કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. આવી જ પરિસ્થિતિ મ્યુ. વો.નં. ૬ ભોજેશ્વર પ્લોટ વિસ્તાર શેરી નં. પ ની અંદર પણ છેલ્લા ૯ માસથી પાણીની લાઇન હોવા છતાં નગરસેવા સદન દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવતુ નથી. આ અંગે આ વિસ્તારના લોકોએ અનેકવાર લેખીત અને મૌખીક રીતે પોરબંદર નગરસેવા સદનને રજુઆત કરવા છતાં નગરસેવા સદન દ્વારા એવા બહાના બતાવવામાં આવે છે કે પાણીની લાઇનનું કામ ચાલુ હોય પાણી બંધ છે. ખરી હકીકતે આ વિસ્તારની અંદર પાણીની લાઇનનું કોઇ કામ ચાલુ નથી.

સત્ય નારાયણ મંદિર સામેના વિસ્તારમાં લોકોને દુર્ગંધ મારતું પાણી આવે છે. આ અંગે નગરસેવા સદનને તે વિસ્તારના લોકો દ્વારા અને વર્તમાનપત્રો દ્વારા અને ઇલે. મીડીયા દ્વારા ધ્યાન દોરવામાં આવવા છતાં આ અંગે નગરસેવા સદન દ્વારા પગલા લેવામાં આવેલ નથી.

યુવક કોંગ્રેસના સભ્ય નીતીનભાઇ દવેએ કલેકટરને રજુઆતમાં તાત્કાલીક પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

(1:02 pm IST)