૨૩ દિવસ પહેલા જ પરણેલી હેતલનો ઇટાળામાં માવતરના ઘરે આપઘાત
ચાર દિ' પહેલા ભાયુના દોમડા ગામેથી માવતરે આવી'તીઃ નદીએ કપડા ધોવા ગઇ ત્યારે ઝેર પી લીધું: રાજકોટમાં મોતઃ કોળી પરિવારજનોમાં કલ્પાંત
રાજકોટ તા. ૯: પડધરીના ભાયુના દોમડા ગામે સાસરૂ ધરાવતી હેતલ મેહુલ પાટડીયા (ઉ.૧૯) નામની કોળી નવોઢાએ ઇટાળા ગામે પિતાના બાબુભાઇ સોનારાના ઘર આવી હોઇ ગામની નદીએ જઇ ઝેર પી લેતાં રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ૨૩ દિવસ પહેલા જ તેણીના લગ્ન થયા હતાં. આપઘાતનું કારણ માવતર પક્ષ કે સાસરિયા પક્ષ જાણતા ન હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ હેતલ પાટડીયા ગયા રવિવારે ભાયુના દોમડાથી માવતરના ઘરે ઇટાળા આવી હતી. ૫મીએ બપોરે બે વાગ્યે તે ઘરેથી નદીએ કપડા ધોવા માટે ગઇ હતી. મોડે સુધી પાછી ન આવતાં તપાસ કરવા જતાં તેણીએ ઝેર પી લીધાનું જણાતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
માવતર પક્ષના કહેવા મુજબ હેતલ એક ભાઇ અને ચાર બહેનમાં મોટી હતી અને ત્રેવીસ દિવસ પહેલા જ લગ્ન થયા હતાં. તેણે આ પગલું શા માટે ભર્યુ તે અંગે પોતે કંઇ જાણતા નથી. પતિ મેહુલ કારખાનામાં મજૂરી કરે છે. બનાવથી તે શોકમાં ગરક થઇ ગયો છે.