સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ભાવનગરમાં આશાવર્કરની પુત્રીનો આરોગ્ય અધિકારીની કચેરીમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાતનો પ્રયાસ

માતાને મેડીકલ ઓફીસર હેરાન કરતા હોવાનો આક્ષેપ

ભાવનગર જીલ્લા પંચાયત કચેરીમાં આશાવર્કરના પરિવારે માથા પછાડયા હતાં અને પુત્રીએ ગળાફાંસો ખાવાની કોશિશ કરતા ભારે દેકારો થઇ ગયો હતો. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ૯ : ભાવનગર જિલ્લાના આરોગ્ય અધિકારીની કચેરીમાં જ આશાવર્કર મહિલા અને તેના પરિવારે માથા પછાડયા હતાં અને આશાવર્કરની પુત્રીએ કચેરીના જ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાવા પ્રયાસ કરતા આ બનાવે ભારે હો...હો.. અને દેકારો મચી ગયો હતો. પોલીસ કાફલો જીલ્લા પંચાયત કચેરીએ દોડી ગયો હતો.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગામે રહેતી દલિત મહિલા લીલાબેન ધનજીભાઇ ઉ.વ.૪૧ મોરચંદ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે ફરજ બજાવે છે. તેણીને મેડીકલ ઓફીસર હેરાન કરતા હોવાનું જણાવી તેનાથી કંટાળી લીલાબેને ગત તા. ર૭ના રોજ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

કાલે ફરી આશાવર્કર લીલાબેન, તેના પિતા ધનજીભાઇ અને પુત્રી જીલ્લા પંચાયત કચેરી ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલની કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા. આ પરિવારે જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં જ ઉગ્ર રજુઆત કરી પોતાના માથા પછાડયા હતા. તેવામાં લીલાબેનની પુત્રીએ કચેરીના ટેબલ પર ચડી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેવા પ્રયાસ કર્યો હતો જેના પગલે દોડધામ મચી ગઇ હતી. હાજર લોકોએ ગળેફાંસો ખાઇ રહેલી યુવતીને બચાવી લીધી હતી. આ બનાવે ભારે દેકારો મચી ગયો હતો. દલીત સમાજના લોકો કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રીત થઇ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં.બનાવની જાણ થતાં જ સીટી ડીવાયએસપી મનીષ ઠાકર અને પોલીસ કાફલો જીલ્લા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યો હતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. (૮.૮)

(11:28 am IST)