સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપ ખંભાળીયા-દ્વારકા રોડ ઉપર ઝાકળવર્ષા

મહતમ તાપમાનમાં વધારો થતા આકરાઃ ઉનાળાનો અનુભવ

રાજકોટ તા. ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ખંભાળીયા-દ્વારકા રોડ ઉપર ઝાકળવર્ષા થઇ હતી.

છેલ્લા થોડા દિવસોથી સૂર્યનારાયણના દર્શન ન થાય ત્યાં સુધી સામાન્ય ઠંડકનો અનુભવ છે અને સૂર્યનારાયણના દર્શન થતા આકરા તાપના અહેસાસ થાય છે.

ખંભાળીયા

ખંભાળીયાઃ મોસમનું સૌથી ગાઢ અને ઝાકળ સાથેનું ભયંકર ધુમ્મસ આજે ખંભાળિયાની દ્વારકા સુધી છવાતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો.

વહેલી સવારે પાંચેક વાગ્યાથી શરૂ થયેલું આ ધુમ્મસ એટલું પ્રબળ હતું કે છેક સવારના સાડા આઠ સુધી ચાલુ રહ્યું હતું તથા એક તબકકે તો તેની તીવ્રતા પાંચ ફૂટ પણ ના દેખાય તેવી થતાં વાહનો થંભી ગયા હતા તો લગ્નની સીઝનમાં જાન પણ મોડી થઇ હતી.

ઝાકળનો પ્રભાવ એટલો હતો કે વાહનમાં વરસાદની જેમ ટીપાં કાચ પર પડતા હતા તો વૃક્ષની નીચે વરસાદની જેમ ટીપા ટપકવાના ચાલુ થઇ ગયા હતા ભારે ઝાકળ અને ધુમ્મસની અનેક સ્થળે રસ્તાઓ ફંટાતા હોય ત્યાં લોકો રસ્તા ભૂલીને બીજા રસ્તે ચડી જાવના બનાવો પણ બન્યા હતા.

ભારે ઝાકળ સાથે આ અભૂતપૂર્વ ધુમ્મસ છેક સાડા આઠ વાગ્યા સુધી સૂર્ય ઉગ્યાને દોઢ કલાક પછી પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.

જૂનાગઢમાં સવારે ગુલાબી ઠંડી

જુનાગઢઃ જુનાગઢમાં આજે સવારે ગુલાબી ઠંડી રહી હતી.

આજે સવારે લઘુતમ તાપમાન વધુ બે ડિગ્રી ઘટીને ૧પ.૪ ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા સવારે ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.  જૂનાગઢનાં ગિરનાર પર્વત ખાતેનું તાપમાન ૧૦.૪ ડિગ્રી રહ્યાનું અનુમાન છે.

સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૭ કિ.મી.ની રહી હતી.

(3:59 pm IST)