સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

જેતપુરના પીઠડીયામાં ગ્રામજનોના રોષ સામે તંત્ર ઝુકયું: કામગીરી મોકુફ

જેતપુર, તા., ૮:  તાલુકાના પીઠડીયા  ગામેથી સરકારની નર્મદાના પાણી માટેની ડી પાઇપ લાઇનના પ્રશ્ને આજરોજ સવારથી જ ખેડુતો પોતાની જમીન ઉપર પાઇપ લાઇન ન નાખવા અને જો નાખે તો પુરતુ વળતર આપવાની માંગણી સાથે બહોળી સંખ્યામાં વિરોધ દર્શાવવા એકત્રીત થયેલ. જેમાં મહીલા ખેડુત ખાતેદાર પણ હોય સરકારી તંત્રએ આજે સવારે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવા પહોંચેલ પરંતુ ખેડુતો ટસના મસ ન થતા પોતાની માંગણી ન સંતોષાય તો પાઇપ લાઇન નાખવા દેવામાં નહી આવે તેવો ઉગ્ર વિરોધ દર્શાવતા તંત્રએ અંતે નમતુ જોખવુ પડયું. જો કર્મચારી કરે તો ખેડુતો આત્મ વિલોપન કરે અને જેસીબી આડે સુઇ જવાની તૈયારી દાખવતા હાલ પુરતું કાર્ય અટકાવી દેવામાં આવેલ અને તંત્રએ રોજકામ કરી આ કાર્ય શરૂ કરાશે તો શાંતી સુલેહનો ભંગ થાય તેવું હોય કાર્યવાહી હાલ ન કરવાનું નક્કી કરેલ.

વિશ્વ મહિલા દિવસ હોય સરકાર એક તરફ મહિલાઓ માટે કરોડોની ગ્રાંટ ફાળવે છે. અને અમો મહિલાઓ કે જેની આજીવીકાનું એક માત્ર સાધન ખેતી હોય તે બરબાદ કરી નાખવાનું કાર્ય કરે છે અમોને અમારા પોષણક્ષમ ભાવો આપવાના બદલે લાખોની કિંમતની જમીનના માત્ર ૧૦,૦૦૦ રૂપીયા વળતર આપી મહિલાઓની મજાક ઉડાવે છે તેમ આક્રોશભેર મહિલાઓએ જણાવ્યું હતું.

(3:58 pm IST)