સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

મહુવામાં કાલથી બે દિવસીય 'શિક્ષણ પર્વ-ર'

પૂ. મોરારીબાપુના સાંનિધ્યમાં 'શૈક્ષણિક જયોત'ને ઝળહળાવતા વિવિધ વકતવ્યો-વ્યાખ્યાનો

કુંઢેલી, તા. ૮ : મહુવા ખાતે કૈલાસ ગુરૂકુળમાં ગુજરાતી કેળવણી પરિષદ-અમદાવાદ દ્વારા પૂ. મોરારીબાપુના સાંનિધ્યમાં આવતીકાલે શુક્રવારથી બે દિવસીય શિક્ષણ પર્વ-ર ધામધૂમથી ઉજવાશે.

ઇન્દુલાલ યાજ્ઞિકે ૧૯૧પમાં સ્થાપેલી ગુજરાતી કેળવણી પરિષદના શિક્ષણ પર્વમાં ગાંધીજીનો શિક્ષણ વિચાર, સામાન્ય વિદ્યાલયોમાં એનો વિનિયોગ, શિક્ષણ દ્વારા સંવેદનશીલતાનો વિકાસ, શિક્ષક-વિદ્યાર્થી, સબંધ, કાર્ય-કૌશલ્ય, ઉદ્યોગ, નવી નજર, શિક્ષકના અનુભવ કથન અને મારા વિદ્યાલયની ગુણવતા વધારવાની મારી યોજના વિશે શિક્ષકો રજૂઆત કરશે.

આ પ્રસંગે અનિલ સદ્ગોપાલ, રતિલાલ બોરીસાગર, વૈશાલીબેન શાહ, ચંદ્રકાંત વ્યાસ, મનસુખસલ્લા, ભદ્રાયું વચ્છરાજાણી, અરૂણભાઇ દવે, મહેન્દ્રભાઇ ભટ્ટ વગેરે વકતવ્યો-વ્યાખ્યાનો આપશે.

જયારે આવતીકાલે રાત્રે અરવિંદ બારોટ, મેઘાણી પુણ્યતિથિ નિમતે ગુજરાતના શ્રેષ્ઠ કવિઓની રચનાઓ લોક ઢાળમાં રજૂ કરશે. તો તા. ૧૦ના પર્વના સમાપનમાં પૂર. મોરારીબાપુ આશિર્વચન પ્રવચન પાઠવશે.

(1:09 pm IST)