સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ઠંડાપીણામાં ઘેનની દવા ભેળવીને લૂંટ આચરતો નીતિન ભટ્ટે ગુન્હાની કબૂલાત કરી

લીંબડી હાઇવે ઉપર મુસાફરો સાથે મિત્રતા કેળવીને : કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજઃ અગાઉ કોર્ટમાં સજા થયેલઃ પેરોલ બાદ ૨ વર્ષથી ફરાર હતો

વઢવાણ તા. ૮ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બગોદરા હાઇવે ઉપર આવેલ હોટલોમાં ઠંડા પીણાં માં કેફી ઘેનની દવા નાખીને ટ્રાવેલ અને એસટી બસોમાં મુસાફરી કરતા પેસેન્જરોને શિકાર બનાવી, કેફી નશાયુકત ઠંડપીણાં પાઈને પસેન્જરોને બેભાન બનાવી, પેસેન્જરોએ પહેરેલા સોનાના દાગીના, રોકડ રકમ સહિતના કિંમતી સામાનની ચોરી કરવાના બનાવો બનેલ છે. આ સંબંધે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારની નંદનવન હોટલ અને દર્શન હોટલો ખાતે પણ બનાવો બનેલ હોઈ, આ બાબતે બંને પોલીસ સ્ટેશન ખાતે બે બે ગુન્હાઓ મળી કુલ ૪  ગુન્હાઓ નોંધાયેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આચરવામાં આવતા ગુન્હાઓ શોધી કાઢવા કરવામાં આવેલ સૂચનાઓ અન્વયે આ પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ નીતિન રમેશભાઈ ભટ્ટ ભૂતકાળમાં પકડાયેલ હોઈ, આ ગુન્હાઓના ભોગ બનાનારને આ આરોપીના ફોટા બતાવવામાં આવતા, આ જ આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચારેય ગુન્હાઓ આચારેલ હોવાનું, શોધી કાઢવામાં આવેલ હતું. ઉપરાંત, લીંબડી પોલીસ દ્વારા હાઇવે પરની તમામ હોટલો તેમજ એસ.ટી.સ્ટેન્ડ ઉપર આરોપીના ફોટા સાથેની વિગતો આપવામાં આવેલ હતી અને મળી આવ્યે જાણ કરવા હોટલ માલિક, ઠંડાપીણા ના સંચાલકો, એસટીના કર્મચારીઓને જાણ કરવામાં આવેલ હતા અને આ આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

આરોપી નીતિન ઉર્ફે નિતેશ રમેશભાઈ ભટ્ટ બ્રાહ્મણ ઉવ. ૪૬ રહે. રાજકોટ શહેર પોલીસ માં પકડાતા લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પ્રમોદસિંહ જાડેજા, કે.કે.કલોતરા તથા સ્ટાફના હે.કો. બાબુલાલ, દશરથસિંહ, વિજયભાઈ સહિતની ટીમ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો મેળવી, આ ગુન્હાઓમાં ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપીની પૂછપરછમાં તેને આ ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે. પોતે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલ હોઈ, નોકરી નહીં મળતા, ગુન્હાખોરીના રવાડે ચડી ગયેલ હતો. શરૂઆતમાં પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટ અને કેશોદના પોલીસ પુત્ર ધર્મેશ ઉર્ફે ટકલો હિંમતલાલ ખત્રી સાથે મળી ખુન, લૂંટ, ચોરી, લૂંટ વિથ મર્ડર, વિગેરે જેવા આશરે ૪૦ જેટલા ગુન્હાઓ આચરેલ હતા. ગુન્હાખોરીની શરૂઆત સને ૧૯૯૨ થી કરેલ હતી. ત્યારબાદ જેલ હવાલે થયેલ હતો. કોર્ટમાં તમામ કેસો ચાલી જતા, જેલમાંથી બહાર આવેલ અને ગોંડલ ખાતે બેરિંગનું કારખાનું ચાલુ કરેલ હતું. પરંતુ, કારખાનામાં ખોટ જતા, ફરી ગુન્હા કરવાનું શરૂ કરવા મોડસ ઓપરેન્ડી ફેરવી, હાલની મોડસ ઓપરેન્ડી અપનાવેલ હતી. ર્ંજેના માટે નશાયુકત દવાની જરૂરિયાત હોઈ, પોતે સિવિલ સર્જન પાસે જઈ, પોતાને માથાના દુખાવા તેમજ ઊંઘ નહીં આવતી હોવાની ફરિયાદ કરી, દવાનું પ્રિસ્ક્રીપશન લખાવી લીધેલ અને આ દવાનો ઉપયોગ પેસેન્જરોને ઘેન આપવામાં કરવા લાગેલ હતો.

આરોપી નીતિન ભટ્ટ પોતાના સાગરીતો ભરત પાંચા કોળી સાથે મળી ગુન્હાઓ આચરવામાં આવેલ. જે તે વખતે પકડાયેલ આરોપી ભાવનગર તથા પોરબંદર ખાતે પકડાયેલ ત્યારે પણ આશરે ૪૦ ગુન્હાઓ આચારેલાની કબુલાત કરવામાં આવેલ. આ ગુન્હા કોર્ટમાં ચાલી જતા, બધા ગુન્હાઓમાં મળી, ૩૦ વર્ષની સજા થયેલ, જે અંગે ગુજરાત હાઇકોર્ટ માં અપીલ કરવામાં આવતા, સજા ઘટાડી, એક વર્ષની સજા કરવામાં આવેલ અને પોરબંદર જેલમાંથી પેરોલ રજા મેળવી, બે વર્ષથી પેરોલ જમ્પ થયેલ હતો.

હાલમાં પકડાયેલ આરોપીએ પેરોલ જમ્પ થયા બાદ આશરે ૩૫ ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ આશરે ૧૦૦ થી ૧૨૫ ગુન્હાઓ આચારેલ છે.

પકડાયેલ આરોપી નીતિન રમેશભાઈ ભટ્ટને લીંબડી પો.સ.ઇ. કે.કે. કલોતરા તથા સ્ટાફના હે.કો.બાબુભાઇ, દશરથસિંહ, વિજયભાઈ, સહિતની ટીમ દ્વારા આ ગુન્હામાં ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય ગુન્હામાં પકડવાનો બાકી હોઈ, બીજા કોઈ ગુન્હાઓ કરેલા છે કે કેમ..? તે મુદ્દાઓસર લીંબડી કોર્ટ માં રાજુ કરી, પકડાયેલ આરોપીના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:06 pm IST)