સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

હાઇકોર્ટના આદેશને પગલે ભુજના જાણીતા વકીલ એસ.ટી. પટેલ સહિત ૩ સામે ખોટા દસ્તાવેજોના આધારે બંગલો પચાવી પાડવાની ફરીયાદ

ભુજ એ-ડીવીઝન પોલીસે દાખલ કરી ફરીયાદઃ કરોડનું ફુલેકુ ફેરવનારા નેશનલ કન્સ્ટ્રકશનનાં રમેશ ખીમજી પટેલની અરજીને આધારે હાઇકોર્ટે એડવોકેટ એસટી પટેલ, તેમના પત્ની જયોત્સના પટેલ અને જુનીયર એડવોકેટ મેહુલ જોશી વિરૂધ્ધ ફરીયાદ નોંધવાનો આદેશ

ભૂજ, તા. ૮: સમગ્ર કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા કન્સ્ટ્રકશનના કામ કરતી જાણીતી પેઢી નેશનલ કન્સ્ટ્રકશન નાણાકીય વિવાદનાં કારણે ચર્ચામાં છે.

ભૂજ પોલીસમાં ૧૯ કરોડથી વધુ છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ છે એ નેશનલ કન્સ્ટ્રકશન કંપની ઉપર બિનસત્તાવાર રીતે કરોડનું ફુલેકુ ફેરવવાનો આક્ષેપ થઇ રહ્યો છે નેશનલ કન્સ્ટ્રકશનના ખીમજી પટેલ અને તેમના પુત્ર રમેશ પટેલની સાથે ચાલી રહેલા નાણાકીય વિવાદ અનુસંધાને ભૂજનાં જાણીતા એડવોકેટ એસટી પટેલે તેમના બંગલાનો કબ્જો મેળવી લીધો હતો.

ભૂજનાં જાદવજીનગરમાં આવેલા રમેશ ખીમજી પટેલ અને ખીમજી પટેલનાં બંગલાનો કબ્જો મેળવવા માટે કાનૂની કાગળો રજૂ કરાયા હતા આ કિસ્સામાં ઘષર્ણ સાથે પોલીસ ફરીયાદ પણ થઇ હતી. પોલીસે એડવોકેટ એમટી પટેલની ધરપકડ પણ કરી હતી. પણ હવે આ આખાયે કિસ્સામાં નવો વળાંક આવ્યો છે.

હાઇકોર્ટમાં રમેશ ખીમજી પટેલે દાદ માંગી હતી અને એડવોકેટ એસટી પટેલ વિરૂધ્ધ તેમનાં એટલે કે ફરીયાદી રમેશનાં પિતા ખીમજી પટેલના નામે ખોટી દસ્તાવેજ ઉભા કરવા, પાવરનામા ઉભા કરવા, સમાધાન ખત અને એકરારનામા ઉભા કરવા અને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને અદાલત સમક્ષ રજૂ કરી આ મકાનનો કબજો મેળવી બંગલો પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે.

આ અંગે હાઇકોર્ટ આપેલા આદેશને પગલે ભુજ એ ડીવીઝન પોલીસે રમેશ ખીમજીજી ફરીયાદના આધારે એડવકોેટ એસટી પટેલ તેમના પત્ની જયોત્સનાબેન પટેલ, જુનીયર એડવોકેટ મેહુલ જોષી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરીયાદ કરનાર નેશનલ કન્સ્ટ્રકશન કંપનીના રમેશ પટેલની આ પહેલાં અમદાવાદ વિમાની મથકેથી ધરપકડ થઇ ચુકી છે.

જ્યારે તેમના પિતા ખીમજી પટેલને હાઇકોર્ટે આગોતરા જામીન આપ્યા છે. બન્ને પિતા-પુત્ર વિરૂધ્ધ નાણાકીય છેતરપીંડીનાં ગુનાઓ છે.

(11:42 am IST)