સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

૧૯૧૦ થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ થયો'તોઃ એક સદી પછી પણ સ્ત્રીઓની હાલતમાં સુધારો થયો નથી

જુનાગઢ : આજે ૮ મી માર્ચે એ વિશ્વ મહિલા દિવસ છે. ૧૯૧૦ માં મહિલા દિવસ મનાવવાની શરૂઆત થઇ છે. એક સદી પછી પણ સ્ત્રીઓની હાલતમાં કોઇ સુધારો થયો નથી. ફકત ૮ મી માર્ચે વુમન ડે ઉજવવાથી કે ટીવી પર પ્રોગ્રામોમાં ચર્ચા કરવાથી સ્ત્રીઓની સમસ્યાઓ હલ થવાની નથી. આજે પણ સ્ત્રી અસુરક્ષીત અને પીડીત છે. આઝાદીના ૬૦ વર્ષ પછી પણ નાણા પ્રધાનને બજેટમાં નિર્ભયા ફંડમાં સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે રૂ. ૧૦૦૦ કરોડનું ફંડ ઉભુ કરવુ પડે છે આજે પણ દિલ્હીની દામિની જેવી આખા દેશમાં અનેક મહિલાઓ અન્યાય, અત્યાચાર અને જાતિય સતામણીનો ભોગ બને છે. પુરૂષ પ્રધાન સમાજમાં સદીઓથી સ્ત્રીઓ સહન કરતી આવી છે.

મહિલા શકિત સ્વરૂપા છે. સર્જનહારનું વિશિષ્ટ સર્જન છે. વિચાર, વાણી, વર્તન દ્વારા સમાજનું કલ્યાણ કરી રહી છે. સ્ત્રીઓનું  અલગ અસ્તિત્વ અને સ્વતંત્ર વ્યકિતત્વ ફુલે ફાલે એ સમાજના હિતમાં છે. મહિલા પુરૂષ સમોવડી નહી પરંતુ પુરૂષો કરતાં કયાંય ચડીયાતી છે. આર્થિક રાજકીય, સામાજીક અને શારીરિક બે બૌધ્ધિક રીતે પુરૂષ કરતા ઉતરતી નથી. દુનિયાની અડધો અડધ વસ્તી એવી સ્ત્રી સ્વસ્થ અને સુખી હશે તો જ સમાજ અને દેશનો વિકાસ થશે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે, 'યત્ર નાર્યુસ્તુ પુજયન્તે તત્ર  રમન્તે દેવતાં' જયાં સ્ત્રીઓનું સન્માન થાય છે. ત્યાં દેવતાઓનો વાસ હોય છે. સ્ત્રીને શકિત-સ્નેહનું ઝરણું માનવામાં આવે છે. જન્મ દેવા માટે અને જીવન યોગ્ય બનાવવા માટે આપણે ઇશ્વર પછી સ્ત્રીઓના ઋણી છીએ. મહિલામાં સમાન આપણી રક્ષા કરે છે. અને મિશ્ર અને ગુરૂ સમાન આપણને શુભકાર્યો માટે પ્રેરણા આપે છે.

નારીના ત્યાગ અને બલિદાન એ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય મુડી છે. ભારતીય નારી એ કુટુંબ અને સમાજના હિત માટે ધુપસળીની જેમ પોતાની જાતને જલાવી છે. એવા સમર્પણ, ત્યાગ અને સહન શકિતનું રૂપ એટલે જ નારી શકિત, માતૃ શકિત, નારી ખરેખર નારાયણી છે. એ અબળા નથી પરંતુ પ્રબળા છે. મહિ (પૃથ્વી) કો હિલા દેને વાલી કો મહિલા કહે તે હૈ. એક પુત્રી પત્નિ, અને માતા તરીકે સંસારની સુવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે. કુટુંબના હિતમાં આત્મ સમર્પણ  કરતી નારી વખત આવ્યે રણચડી પણ બની શકે છે. પૂ. મોરારીબાપુ કહે છે 'દિકરો બાપનો હાથ છે તો દિકરી બાપનું હૈયું છે. કન્યાદાન કરતી વખતે પિતા જમાઇના હાથમાં દિકરીનો હાથ નહિ, પરંતુ પોતાનું હૈયું સોંપે છે. દિકરીએ સાપનો ભારો નહી તુલસી કયારો છે.' ભૃણ હત્યા એ પાપ છે. કોઇપણ સંજોગોમાં ભૃણ હત્યા રોકવી જોઇએ.

મહિલાઓને આર્થિક સામાજીક નીતિઓ બનાવવામાં સામેલ કરવી જોઇએ. સામાજીક રાજકીય, આર્થિક ક્ષેત્રોમાં પુરૂષો સાથે સમાનરૂપે ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઇએ. તમામ ક્ષેત્રોમાં બરાબર ભાગીદાર બનાવવી જોઇએ. મહિલાઓને શિક્ષણ, સ્વાસ્થ, રોજગાર, સામાજીક સુરક્ષા પુરી પાડવી જોઇએ. મહિલાઓ પ્રત્યેના વ્યવહાર, ભેદભાવ અને અપરાધો સામે કડક કાનુની જોગવાઇ કરવી જોઇએ.

દામિની માટે ન્યાય મેળવવા દિલ્હીની જનતા સડકો પર ઉતરી આવી એવી જાગૃતિ આખા દેશમાં આવે તે આવશ્યક છે. મહિલાઓ પ્રત્યેના અન્યાય, અત્યાચાર અને જાતિય સતામણી સામે કડકમાં કડક કાયદાઓ બનવા જોઇએ સ્ત્રીઓમાં સ્વયં જાગૃતિ આવશે તો જ અન્યાય અને અત્યાચારો બંધ થશે. આવતી કાલે મહિલા દિને દરેક લોકોએ નારી શકિત, માતૃ શકિતને સત સત સલામ કરી નારીનું મહત્વ વધારવું જોઇએ. તેમજ તેને અન્યાય અત્યાચાર ન થાય તે માટે સમાજે જાગૃત બનવું રહ્યું.

- આલેખન

સુભાષ પાણીપુરીવાળા (જૂનાગઢ)

મો. ૯૮૭૯૩ ૬ર૯૧૮

(11:39 am IST)